
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના બોરડી ગામમાં રેતીના ડમ્પરો બેફામ – રોયલ્ટી અને પાસ પરમિટ વગર થઈ રહી છે હેરાફેરી : જાગૃત નાગરિકોના ગંભીર આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને તેના વહન બાબતે ખાણ ખનીજ વિભાગની ભૂમિકા પર ફરી એકવાર સવાલો ઊઠ્યા છે. જાણે કે જિલ્લાનું ખાણ ખનીજ વિભાગ ગાઢ નિંદ્રામાં હોય અથવા બધું જોઈને પણ અજાણ બનતું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાતદિવસ ગેરકાયદેસર ખનન અને રેતીના વહન છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થવાથી જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
મોડાસા તાલુકાના બોરડી ગામમાં રોજિંદા ધોરણે રાત્રિના 7 વાગ્યા પછી મોટા ડમ્પરો દ્વારા રોયલ્ટી તેમજ પાસ પરમિટ વગર રેતીનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખાણ ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, જ્યારે પણ ગેરકાયદેસર ખનન બાબતે વિભાગને જાણ કરવામાં આવે છે, ત્યારે વિભાગના ફોલ્ડરિયાઓ સીધા ખનન સ્થળે ફોન કરીને સંકળાયેલા લોકોને ચેતવી દેતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. પરિણામે ખનન માફિયાઓ સરળતાથી બચી જાય છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રહે છે.બોરડી ગામના રહેવાસીઓએ જણાવ્યું કે રાત્રિના સમયે મોટા ડમ્પરો ગામમાંથી પસાર થતા હોવાના કારણે ગ્રામજનોને ભારે પરેશાની ભોગવવી પડે છે. આખી રાત રેતી તથા અન્ય ખનિજોના વહન છતાં કોઈ કાર્યવાહી ન થવી એ પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે.આ અગાઉ પણ અનેક વખત જાગૃત નાગરિકોએ આ બાબતે રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવતા હવે લોકોમાં અસંતોષ વધતો જાય છે. જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોક્કસ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ગેરકાયદેસર રેતી ખનન અને તેના વહન પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓઓના આધારે રેતીના ગેરકાયદેસર ખનનના આક્ષેપો વધુ મજબૂત બન્યા છે, ત્યારે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ મામલે ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે





