હાથરસ કાંડમાં નાસભાગ બાદ કાફલા સાથે ફરાર થઈ રહેલા ભોલે બાબાનો વીડિયો સામે આવ્યો
યુપીના હાથરસમાં સત્સંગમાં નાસભાગ મચ્યાં બાદ કથાવાચક ભોલે બાબા કાફલા સાથે ફરાર થઈ ગયાં હતા તે વાતનો પુરાવો મળ્યો છે. અત્યાર સુધી બાબા એવું કહેતાં હતા કે નાસભાગ પહેલા તેઓ જતાં રહ્યાં હતા અને કેટલાક અસામાજિક તત્વોએ નાસભાગ મચાવી હતી પરંતુ હવે બાબાનું આ જુઠ પણ પકડાઈ ગયું.
47 સેકન્ડની ક્લિપમાં બાબાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. વીડિયો ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે બાબા તેના સુરક્ષા દળોના ભારે કાફલા સાથે ઝડપથી ભાગી રહ્યા છે. બાબા સફેદ કારમાં બેઠા છે અને બાઇક પર સવાર કાળા કમાન્ડો તેમને એસ્કોર્ટ કરી રહ્યા છે. બ્લેક કમાન્ડો રસ્તાના કિનારે એક્શન કરતા જોઈ શકાય છે. જે બાદ બાબા ભોલે સફેદ કારમાં કાફલા સાથે ત્યાંથી ફરાર થઈ ગયા છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલો બાબાનો સત્સંગ સ્થળ છોડવાનો સમય ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવેલ સમય સાથે મેળ ખાય છે.
સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાના વકીલ એપી સિંહે દાવો કર્યો હતો કે બાબાના અનુયાયીઓ ક્યારેય તેમના પગને સ્પર્શતા નથી તેથી પગનો સ્પર્શ કરવાથી નાસભાગ ન થઈ શકે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે મંગળવારે હાથરસમાં આયોજિત સત્સંગમાં નાસભાગ અને 121 લોકોની હત્યા પાછળ કેટલાક અસામાજિક તત્વોનો હાથ હતો. સિંઘે ગઈકાલે દાવો કર્યો હતો કે, “કેટલાક અસામાજિક તત્વોએ કાવતરું ઘડ્યું હતું. જ્યારે નારાયણ સાકર હરિ સ્થળથી નીકળી ગયા હતા, ત્યારે તેમના વાહનો પણ રવાના થયા હતા, તેથી અમારા સ્વયંસેવકો અને અનુયાયીઓ ષડયંત્રને કારણે શું થઈ રહ્યું છે તે સમજવામાં નિષ્ફળ ગયા. યોજના અને તેની તપાસ થવી જોઈએ.