
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા-૧૭ જુલાઈ : ભારત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાના વિવિધ ઘટકોનો પરિચય મેળવી, પરીક્ષણ કરી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૫ અભિયાન ચલાવવામાં આવશે. કચ્છમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૫ માટે સ્વચ્છતાનો સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં ટીમ દ્વારા શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, મંદિર, જાહેર જગ્યાઓ, શાકમાર્કેટ, જાહેર રસ્તા, ગ્રામ પંચાયત કચેરી, વ્યક્તિગત અને સામૂહિક પ્રતિભાવો, વ્યક્તિગત અને સામૂહિક સ્વચ્છતા, ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન વગેરેનું મૂલ્યાંકન કરવામાં આવશે. વ્યક્તિગત-સામૂહિક શૌચાલય, કમ્પોસ્ટ પીટ અને સોક્પીટ, સેગ્રિગેશન શેડ, ડોર ટૂ ડોર કચરાનું એકત્રિકરણ અને વિભાજન, પ્લાસ્ટિક કચરાનું એકત્રિકરણ અને વિભાજન, ગોબરગેસ, હેન્ડ વોશીંગ તેમજ સ્વચ્છતા બાબતે પ્રચાર-પ્રસાર કરી જાગૃતતા લાવવામાં આવશે.નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના ગામને હકારાત્મક અભિગમ સાથે અવ્વલ નંબર અપાવવા દરેક ગામ કટિબદ્ધ થાય. તેમજ કચરાનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે. નાગરિકો પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી લીંક https://play.google.com/store/apps/details?id=com.ssg.abc.ssg તેમજ SSG–૨૦૨૫ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરીને સરળ ભાષામાં વધુમાં વધુ પ્રતિભાવ આપી ગામ, તાલુકા, જિલ્લાને સ્વચ્છતામાં અવ્વલ નંબર અપાવે તેવી રીતે ગ્રામજનોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અપીલ કરવામાં આવી છે.



