GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન હેઠળ 50 નવજાત દિકરીઓનું કરાયું સન્માન

સમાજમાં સકારાત્મકતા લાવવા સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત દિકરીઓને વધામણા કીટ અર્પણ

તા.24/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સમાજમાં સકારાત્મકતા લાવવા સિવિલ હોસ્પિટલ ખાતે નવજાત દિકરીઓને વધામણા કીટ અર્પણ, રાષ્ટ્રીય દિકરી દિવસના અવસરે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા અને સમાજમાં સકારાત્મક વાતાવરણ ઊભું કરવાના ઉમદા હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે “દિકરી વધામણા” ઉત્સવ યોજાયો હતો દિકરી પણ પરિવાર અને સમાજ માટે ગૌરવ છે એ સંદેશ સાથે માતા- પિતામાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નવજાત દિકરીઓને આશીર્વાદ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ પ્રસંગે હોસ્પિટલમાં જન્મેલી નવજાત દિકરીઓના જન્મને હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દિકરીઓની માતાઓને ‘દિકરી વધામણા કીટ’ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને ‘વ્હાલી દિકરી યોજના’ વિશે વિગતવાર માહિતી આપી વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિકરીઓના શિક્ષણ અને ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે યોજના હેઠળ લાભ મેળવવા માટે દિકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દિકરીને કુલ ૧.૧૦ લાખ રૂપિયાની સહાય ત્રણ વિવિધ તબક્કામાં આપવામાં આવે છે જેમાં પ્રથમ હપ્તો દિકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે ૪ હજાર રૂપિયા, બીજો હપ્તો નવમાં ધોરણમાં પ્રવેશ સમયે ૬ હજાર રૂપિયા અને ત્રીજો તથા અંતિમ હપ્તો દિકરી ૧૮ વર્ષની વય પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે ૧ લાખ રૂપિયાની માતબર રકમ મળવાપાત્ર થાય છે વધુમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ સમાંતર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ અભિયાન અંતર્ગત અંદાજે ૫૦ જેટલી નવજાત દિકરીઓને વધામણા કીટનું વિતરણ કરીને સમાજમાં દિકરીઓના જન્મને ગૌરવવંતો બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ પહેલ દ્વારા સમાજમાં દિકરીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશે અને સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા કુરિવાજો સામે લોકજાગૃતિ કેળવાશે ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિકરીના જન્મને સમાજમાં સ્વીકાર અને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Back to top button
error: Content is protected !!