હાલોલ પંથકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર પારંપરિક વેશભૂષા અને પોશાક ધારણ કરી ઉજવણી કરાઈ,ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૮.૨૦૨૫
સમગ્ર વિશ્વભરમાં નવમી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં વિશ્વભરમાં વસતા આદિવાસીઓ આજે ભારે ઉત્સાહપૂર્વક રંગે ચંગે પોતાની આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી તેમજ આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે.જે અંતર્ગત આજ રોજ હાલોલ નગર ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્વક રંગે ચંગે ઉજવણી કરાઈ હતી. જેમાં હાલોલ નગર સહિત હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના મહિલા પુરુષો યુવાન યુવતીઓ સહિત વૃદ્ધો આ ઉજવણીમાં જોડાયા હતા.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહજી પરમાર, હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ સહિત હાલોલ નગર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીજનોની હાજરીમાં આદિવાસી સમાજની રેલી યોજાઈ હતી. જેમાં આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષા ધારણ કરીને તેમજ તીર કામઠા સહિતના વિવિધ આદિવાસીઓની ઓળખ ગણાતા શસ્ત્રો લઈ આદિવાસી શસ્ત્ર શક્તિ પ્રદર્શન સાથે આ મહા રેલીમાં જોડાયા હતા જેમાં હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતેથી યોજાયેલી રેલી નગરના વિવિધ રાજમાર્ગો પર આન બાન અને શાન સાથે ફરી હાલોલ તાલુકા પંચાયત ખાતે પહોંચી હતી અને ત્યાં પહોંચી રેલી સમાપ્ત થઈ હતી. જેમાં સમગ્ર રેલી દરમ્યાન આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષા ધારણ કરી પોતાની આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરતા નૃત્ય કરતા નજરે પડ્યા હતા જેમાં સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ આદિવાસી નાચગાન સાથે રેલીમાં જોડાઈ આદિવાસી પરંપરાગત નૃત્ય તેમજ ગીત સંગીતના વારસાની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.જેમાં આદિવાસી લોક ગીતો તેમજ ટીમલી સહિતના ગીતો પર સમગ્ર રેલી દરમિયાન રેલીમાં જોડાયેલા હજારો આદિવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે રેલીમાં હાલોલ તાલુકા અને હાલોલ નગરના વિવિધ રાજકીય અગ્રણીઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને અનેક સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.






