રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંતસિંહ પરમારની ઉપસ્થિતીમાં ગોધરા ખાતે રાજ્યકક્ષાની ૬૯મી SGFI ચેસ સ્પર્ધા યોજાઈ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પંચમહાલ દ્વારા રાજ્યકક્ષાની ૬૯મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ચેસ સ્પર્ધા જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંચાલનમાં અંડર-૧૭ ભાઈઓ માટેની ચેસ સ્પર્ધાનો પ્રારંભ રાજ્યસભા સાંસદશ્રી ડૉ.જસવંત સિંહ પરમાર હસ્તે કરવામાં આવ્યો હતો. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપીને સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.
સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર આ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના આયોજનમાં જિલ્લા રમત ગમત અધિકારી કુ. મયુરબાળા ડી. ગોહિલ, ગુજરાત ચેસ એસોસિયેશનના આરર્બીટર્સ તેમજ પંચમહાલ જિલ્લાના વ્યાયામ શિક્ષકો વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડીને રાજ્યકક્ષાની ૬૯મી SGFI ચેસ સ્પર્ધાના આયોજનને સફળ બનાવ્યું હતું