વૈષ્ણવાચાર્ય કુંજેશકુમારજી ની ઉપસ્થિતિમાં કાલોલ ના પ્રયાગરાજ ચોકમા વૈષ્ણવો દ્વારા ભવ્ય ફુલ ફાગ રસીયા મનોરથ યોજાયો
તારીખ ૦૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આગામી ડોલોત્સવના ઉપલક્ષમાં કાલોલના આંગણે ફુલફાગ મનોરથ અને હોળી રસીયાનું આયોજન થતાં વૈષ્ણવ સમાજ પુષ્ટિ રંગે રંગાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા ફુલફાગ ફાગ મનોરથ અને હોળી રસીયા નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ રામજી મંદિર પ્રયાગરાજ ચોકમાં હોળી રસીયાનો વિશેષ ઉત્સવ પુષ્ટિ ભૂષણ પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશ કુમારજી મહારાજશ્રી (કડી-અમદાવાદ) અને પૂ.ચી. સાનિધ્યકુમાર મહોદયના અલૌકિક સાનિધ્યમાં ઉજવાયો હતો.ઉત્સવની ઉજવણીના ઉપલક્ષમાં આજે શ્રી સુધા સત્સંગ મંડળ પાઠશાળામાંથી વલ્લભ કુળ પરીવારને વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે પ્રયાગરાજ ચોક ખાતે આવકાર્યા હતા.વૈષ્ણવોના સુચારુ આયાજનો મધ્યે વલ્લભકુળ પરિવારના સ્વાગત સમારોહ સાથે પૂ. શ્રીના વચનામૃત અને ચરણસ્પર્શ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વલ્લભકુળ પરિવારના પ્રેરક સાનિધ્યમાં સમસ્ત વૈષ્ણવ સમાજે ફુલફાગ ખેલ અને હોળી રસીયાનો અલૌકિક લાહવો લૂંટયો હતો. શ્રી કૃષ્ણ ભજન મંડળ ડેરોલ સ્ટેશનના કીર્તનકારોના કર્ણ પ્રિય સંગીતમાં રસિયા કીર્તનના મધુર સ્વર સાથે તાલ મિલાવી “કાન્હા પિચકારી મત માર”‘ ,” આજ બિરજ મે હોલી રે રસીયા” ના ગાન સાથે વૈષ્ણવજનો ઝૂમી ઉઠ્યા હતા.આ તબક્કે પુષ્ટિ ભક્તિમાં લીન સમસ્ત વૈષ્ણવ વૃંદે વલ્લભકુળ પરીવારને ગુલાબપર્ણો થી હોળી ખેલાવી અનેરો ગોપીભાવ પ્રગટ કર્યો હતો. નગર સમેત આસપાસના વૈષ્ણવ મહેરામણ ઉમટી પડ્યો હતા. ઉત્સવના અંતે અંદાજીત ૧૫૦૦ જેટલા વૈષ્ણવો માટે ભોજન પ્રસાદની વ્યસ્થા કાલોલ વૈષ્ણવ સમાજ તરફથી કરવામાં આવી હતી.