વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આભ ફાટયુ,ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અનરાધાર વરસાદનાં પગલે નીચાણવાળા 25થી વધુ કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થતા 50 થી વધુ ગામો જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા હતા..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાનાં ગામડાઓમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે દિવસ દરમ્યાન વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ,બોરખલ,ડોન, ચીંચલી, આહવા,લવચાલી, સુબિર, પીપલાઈદેવી,ગારખડી,પીપલદહાડ,સિંગાણા, બરડીપાડા,કાલીબેલ, મહાલ,ભેંસકાતરી, ઝાવડા,વઘઇ, સાકરપાતળ,પીંપરી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં તોફાની વાવાઝોડા અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રીનાં અરસાથી રવિવારે દિવસ દરમ્યાન અનરાધાર પડી રહેલા વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી,પૂર્ણા,ગીરા અને ધોધડ સહીત વહેળાઓએ પોતાની ભયજનક સપાટી વટાવતા સમગ્ર દ્રશ્યો ડરામણા બન્યા હતા.ડાંગ જિલ્લામાં પાંચેય નદીઓ ભયજનક સપાટી પાર કરતા નીચાણવાળા 25 થી વધુ કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા અંદાજે 50 થી વધુ ગામડાઓનું જનજીવન સહીત પશુપાલન પ્રભાવિત થયુ હતુ.ડાંગ જિલ્લામાં વાવાઝોડું અને વરસાદી માહોલમાં ઠેરઠેર માર્ગો પર વૃક્ષો અને ભેખડો સહીત માટીનો મલબો ધસી પડતા ફરી વાર નુકશાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સહીત નાના મોટા જળધોધ પૂર્ણ રૂપમાં આવી પાણીનાં રણકાર સાથે નીચે ખાબકતા દ્રશ્યો મનમોહક બની ગયા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલની સાથે વાવાઝોડુ ફૂંકાતા ખેતરમાં ઉભા પાકો જમીન પર પડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ.ડાંગ જિલ્લામાં શનિવારે મોડી સાંજથી જ વરસાદ શરૂ થતાં નવરાત્રી મહોત્સવનાં રંગમાં ભંગ પડ્યો હતો.રાત્રીનાં અરસામાં પડેલ મુશળધાર વરસાદનાં પગલે આહવા,વઘઇ,સુબિર સહિત સાપુતારા ખાતે બનાવવામાં આવેલ નવરાત્રીનાં મંડપ અને ડીજે પાણીથી તરબતર થતા દોડધામ મચી જવા પામી હતી.સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસયુ વાતાવરણ છવાઈ જતા પ્રવાસી વાહન ચાલકોને વાહનોની સિગ્નલ લાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આભ ફાટયુ હતુ.ગિરિમથક સાપુતારા પંથકમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે દિવસ દરમ્યાન અનરાધાર વરસાદ પડતા જનજીવન પર માઠી અસર પોહચી છે.સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં આભ ફાટતા અંબિકા અને ખાપરી નદીનો નજારો ભયજનક બન્યો હતો. બન્ને નદીઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા કાંઠા વિસ્તારનાં ગામોમાં નુકશાન થયાની વિગતો સાંપડી રહી છે.બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં ભારે વરસાદનાં પગલે 25 થી વધુ કોઝવે પાણીમાં ગરક થતા 50 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા.ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ 25 જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબીર તાલુકાના (1) કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ, (2) હિંદળા થી ધૂડા રોડ, (3) ચિખલી લવચાલી રોડ (4) ઢોંગીઆંબા લહાનકસાડ મોટીકસાડ રોડ તથા આહવા તાલુકાનાં (1) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ -1, (2) ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, (3) બારીપાડા ચિરાપાડા રોડ, (4) ટાંકલીપાડા લહાનદભાસ મોટીદભાસ રોડ, (5) ચીંચલી મહારદર રોડ,(6)જાખાના કોટમદર રોડ, વઘઇ તાલુકાના (1) ઘોડવહળ વી.એ. રોડ, (2) આહેરડી બોરદહાડ રોડ, (3) મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, (4) માનમોડી બોંડારમાળ નિંબારપાડા રોડ, (5) માછળી ચિખલા દિવડયાવન રોડ, (6) વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, (7) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, (8) મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, (9) સુસરદા વી.એ. રોડ, (10) ચિખલદા વી.એ. રોડ, (11) માછળી ખાતળ રોડ – 1, (12) ઘાંગડી કાનાત ફળિયા રોડ, (13) કાંચનપાડા થી સુરગાણા રોડ,(14)દગુનિયા વી.એ.રોડ (15)કાલીબેલ પાંઢરમાળ રોડ ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.બોક્ષ:-(2)ડાંગ જિલ્લામાં ભારે વરસાદમાં પણ રાજય ધોરીમાર્ગવિભાગ, પંચાયત માર્ગ મકાન વિભાગ સહીત વન વિભાગની રાઉન્ડ ધ કલોકની કામગીરી હાથ ધરાતા માર્ગો યાતાયાત માટે ખુલ્લા મુકાયા.છેલ્લા 24 કલાક દરમ્યાન ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે તોફાની વાવાઝોડુ પણ ફૂંકાતા ઠેરઠેર વૃક્ષો, માટીનો મલબો અને ભેખડો ઘસવાનાં બનાવો બન્યા હતા.જોકે ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગ,જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ સહીત વન વિભાગની ટીમો દ્વારા માર્ગો પર રાઉન્ડ ધ ક્લોકની કામગીરી હાથ ધરી માર્ગો પરથી કાટમાળની સફાઈ કરી હતી.અને મોડી સાંજ સુધીમાં મોટા ભાગનાં માર્ગો યાતાયત માટે શરૂ થયા છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 111 મિમી અર્થાત 4.44 ઈંચ, વઘઇ પંથકમાં 115 મિમી અર્થાત 4.6 ઈંચ, આહવા પંથકમાં 134 મિમી અર્થાત 5.36 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 204 મિમી અર્થાત 8.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.