AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત આઠમા દિવસે છૂટોછવાયો કમોસમી વરસાદ પડતા પ્રકૃતિ હિલોળે ચડી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્યનાં છેવાડે આવેલો ડાંગ જિલ્લો છેલ્લા એક સપ્તાહથી અણધાર્યા અને ભારે કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો છે.ત્યારે સતત આઠમા દિવસે પણ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસવાનું ચાલુ જ રહેતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ચોમાસાની ઋતુ જેવું બની ગયુ છે.કુદરતના આ અણધાર્યા પરિવર્તનને કારણે ડાંગ જિલ્લાનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.છેલ્લા આઠ દિવસથી સતત વરસી રહેલા આ કમોસમી વરસાદે ડાંગ જિલ્લાના ખેડૂતોને ભારે આર્થિક સંકટમાં મૂકી દીધા છે.આ વર્ષે ઉનાળુ પાક સારો હોવાની આશા રાખીને બેઠેલા ખેડૂતો પર જાણે આભ તૂટી પડ્યું છે.કમોસમી વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં આવેલા વાવાઝોડા જેવા પવનના કારણે આંબાવાડીઓમાં તૈયાર થયેલો કિંમતી ફળફળાદી પાક જમીનદોસ્ત થઈ ગયો છે.અનેક ખેડૂતો કે જેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત કેરીનો પાક છે, તેઓને ભારે નુકસાન થવાથી તેઓ અત્યંત નિરાશ અને ચિંતિત બન્યા છે.ડાંગ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં થઈ રહેલા અવિરત વરસાદના પરિણામે અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા જેવી મહત્વની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.આ નદીઓના કોતરો અને આસપાસના નાના વહેળાઓમાં નવા પાણીની આવક થવાથી જળસંચયમાં મદદ મળી છે,પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાકને ભારે નુકસાન થયું છે.ખેડૂતોના મોં સુધી આવેલો પાક પાણીમાં ગરકાવ થઈ જવાથી તેઓની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે.જો કે, આ કપરા સમયની વચ્ચે ડાંગ જિલ્લાનું જાણીતું પ્રવાસન સ્થળ સાપુતારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ગિરિમથક સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલ રહેવાના કારણે અહીંના રમણીય સ્થળોની કુદરતી સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે.વરસાદ બંધ થયા બાદ થોડા સમયમાં જ ગાઢ ધુમ્મસની સફેદ ચાદર ચારે તરફ ફેલાઈ જાય છે.જેના કારણે કુદરતી દ્રશ્યો અત્યંત મનોહર અને શાંતિપૂર્ણ બની જાય છે.આહલાદક વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.હાલમાં રજાઓનો આનંદ માણવા માટે સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.તેઓને આ અણધાર્યા ઋતુચક્રના મિશ્રણને માણવાની એક અનોખી તક મળી હતી. દિવસ દરમિયાન વરસતા વરસાદ અને ત્યારબાદ સર્જાતા ધુમ્મસભર્યા વાતાવરણનો અનુભવ કરીને પ્રવાસીઓએ પ્રકૃતિના આ બે વિરોધાભાસી સુંદર સ્વરૂપોનો આનંદ માણ્યો હતો.આમ, સમગ્ર ડાંગ જિલ્લામાં એક તરફ કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલીઓનો પહાડ ખડો કરી દીધો છે, તો બીજી તરફ સાપુતારાનું વાતાવરણ પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું સ્થાન બન્યું છે. પ્રવાસીઓ જ્યાં કુદરતી સૌંદર્યની મોજ માણી રહ્યા છે, ત્યાં જિલ્લાના ખેડૂતો પોતાના પાકને થયેલા ભારે નુકસાનને લઈને અત્યંત ચિંતિત અને પરેશાન છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ કમોસમી વરસાદ ડાંગ જિલ્લામાં ક્યાં સુધી પોતાનો વિનાશક પ્રભાવ ચાલુ રાખશે અને ખેડૂતોને ક્યારે રાહત મળશે..

Back to top button
error: Content is protected !!