એક્સપ્રેસ હાઇવે પર ખેડૂતનો વિરોધ:અડોલ ગામના ખેડૂતે જમીન માપણીની ભૂલ અને વળતરના મુદ્દે કામગીરી અટકાવી
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં એક્સપ્રેસ હાઇવેના નિર્માણ દરમિયાન આજે એક નવો વિવાદ સામે આવ્યો છે. ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારે જમીન માપણીમાં થયેલી ભૂલ અને અપૂરતા વળતરના મુદ્દે હાઇવેની માટી પુરાણની કામગીરી અટકાવી દીધી હતી.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપુત અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખેડૂત પરિવારના વકીલ જયરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી જમીનનો યોગ્ય એવોર્ડ જાહેર નહીં થાય, ત્યાં સુધી કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે.
ખેડૂત પરિવારનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમની જમીનની માપણીમાં ભૂલ કરવામાં આવી છે, જેના કારણે તેમને ઓછું વળતર મળી રહ્યું છે. મામલતદારે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરતાં ખેડૂત પરિવારને જમીનના આવશ્યક દસ્તાવેજો સાથે પૂર્તતા કરવાનું સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં એક્સપ્રેસ હાઇવે માટે સંપાદિત કરાયેલી અનેક જમીનોના વળતરની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી, જે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષનું કારણ બની રહી છે. આ ઘટના પછી મોડી સાંજ સુધી અધિકારીઓ અને ખેડૂત પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલુ રહી હતી.