વડાપ્રધાનના ૭૫મા જન્મદિવસ નિમિત્તે: ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનનો શુભારંભ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે, “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ૩૦ દિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ, આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને કારણે ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ જ પ્રેરણાથી, ગુજરાત સરકારે નાગરિકોને મેદસ્વિતાથી મુક્ત કરવા અને સ્વસ્થ રાખવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને આગળ ધપાવવા માટે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ૭૫ સ્થળોએ આ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક સ્થળે ૧૦૦ લોકો ભાગ લેશે.
આ યોગ શિબિર તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલશે. ગોધરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આ કેમ્પનું ઉદ્ઘાટન સવારે ૭:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. આ ૩૦ દિવસ દરમિયાન શિબિરાર્થીઓને મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ, યોગ્ય આહાર અને દિનચર્યા વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેનો હેતુ માત્ર શારીરિક સ્વસ્થતા જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને સંતુલન પણ પ્રાપ્ત કરવાનો છે.