
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દર વર્ષે કરાઈ છે આયોજન.
ભુજ, તા -૦૫ માર્ચ : સમગ્ર રાજ્યમાંથી ૧૦૦ જેટલા યુવક યુવતીઓ “આપણી સરહદ ઓળખો” કાર્યક્રમમાં સહભાગી થવા માટે કચ્છ ખાતે આવી પહોંચ્યા છે. ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભુજ કચ્છ દ્વારા આ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા તમામ યુવક યુવતીઓનું ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તારીખ ૦૩ માર્ચથી ૧૨ માર્ચ સુધી એમ કુલ ૧૦ દિવસ સમગ્ર રાજ્યના યુવક યુવતીઓ કચ્છના વિવિધ સ્થળો જેવા કે ભુજ, ધોળાવીરા, કાળો ડુંગર, મેકરણ દાદા સ્થાનક ધ્રંગ, રુદ્રમાતા જાગીર, ભેડિયા બેટ હનુમાન મંદિર, ખરદોઈ પોસ્ટ આંતરરાષ્ટ્રીય બોર્ડર, ધોરડો સફેદ રણ, ધીણોધર જાગીર, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર-કોટેશ્વર, જખૌ પોર્ટ, પિંગ્લેશ્વર બીચ, માંડવી બીચ, અંજાર ખાતે વીર બાળ સ્મારક અને ગાંધી સમાધિ, ચૌબારી, એકલ રણ, રવેચી માતા મંદિર, વ્રજવાણી ધામ, બનાસકાંઠા સુઈગામ નડાબેટ સીમાદર્શન વગેરેની મુલાકાત લેશે. આ મુલાકાતથી તમામ યુવક યુવતીઓ કચ્છની સરહદ અને ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિ અને રહેણીકરણી તેમજ કચ્છી કલા કસબ વિષે જાણકારી મેળવશે.ભુજ ખાતે પધારેલા તમામ યુવક યુવતીઓનું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી નરશીભાઈ ગાગલ, સિનિયર ક્લાર્કશ્રી યોગેશભાઈ આચાર્ય, ઈન્સ્ટ્રક્ટર સર્વશ્રી રામજીભાઈ મેરીયા, શ્રી દેવેનસિંહ વાળા, શ્રી સતિશ પાંડે, શ્રી કિશોરભાઈ હેડાઉ, શ્રી અરવિંદ પડાલિયા, શ્રી રસીદ સમા, સુશ્રી અનુરાધા સુહાગિયા એ આવકાર આપીને સ્વાગત કર્યું હતું.






