BUSINESSGUJARAT

અમેરિકા – વેનેઝુએલાના ઓઈલ સોદાથી ભારતને ફાયદો…!!!

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદોની જાહેરાત બાદ હવે અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફને ઘટાડીને ૧૮% કર્યો છે. આ સોદા સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી બંધ કરશે અને સામે પક્ષે ભારત હવે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદી શકે છે.આ સંભવિત લેવડ-દેવડ પર એસબીઆઈ રિસર્ચે એક વિગતવાર અહેવાલ બહાર પાડયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આ સોદો ભારતને બેવડા ફાયદા પૂરા પાડશે અને સંભવિત રીતે વાર્ષિક આશરે રૂ. ૨૭,૦૦૦ કરોડની બચત કરાવી શકે છે.

એસબીઆઈ રિસર્ચ અનુસાર જો ભારત ક્રૂડ ઓઇલની ખરીદી માટે રશિયાને બદલે વેનેઝુએલા તરફ વળે છે, તો દેશને દર વર્ષે લગભગ ૩ બિલિયન ડોલર અર્થાત રૂ. ૨૭,૦૮૧ કરોડની સીધી બચત થઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે વેનેઝુએલાનું ભારે ક્રૂડ ઓઇલ, મેરી-૧૬ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ કરતાં લગભગ ૧૦થી ૧૨ ડોલર પ્રતિ બેરલ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકે છે.અત્યાર સુધી, રશિયાથી ડિસ્કાઉન્ટેડ ઓઈલ ભારતની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. જોકે ભવિષ્યમાં જો રશિયન ક્રૂડ ઓઈલનો સપ્લાય ઘટે છે તો વેનેઝુએલા એક મજબૂત અને આર્થિક ફાયદાકારક વિકલ્પ બની શકે છે. ભારતનો ક્રૂડ ઓઈલ ખર્ચ નિયંત્રણમાં રહેશે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું દબાણ અટકશે.

યુક્રેન યુદ્ધ પછી, પશ્ચિમી પ્રતિબંધોને કારણે ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ ડિસ્કાઉન્ટ દરે ખરીદ્યું હતુ. પરિણામે, નાણાકીય વર્ષ ૨૦૨૫માં ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૦%થી વધુ પહોંચી ગયો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારત પાસે હાલમાં વેનેઝુએલા, સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ, યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ આફ્રિકન દેશો સહિત લગભગ ૪૦ દેશો પાસેથી ક્રૂડ ખરીદવાનો વિકલ્પ છે. આ કારણે ભારતને વધુ સુરક્ષિત અને સંતુલિત ઉર્જા પુરવઠો મળશે.

ભારત-યુએસ વેપાર કરારથી ભારતીય નિકાસકારોને સૌથી વધુ ફાયદો થવાની અપેક્ષા છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને ૧૮% કર્યો છે, જે અગાઉ કેટલાક કિસ્સાઓમાં ૫૦% સુધી પહોંચી ગયો હતો. એસબીઆઈ રિસર્ચ માને છે કે આ ઘટાડો ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જેનાથી તેને ટેરિફના સંદર્ભમાં વિયેતનામ અને ઘણા દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો પર સીધો ફાયદો થશે.

રિપોર્ટ મુજબ, રત્નો અને ઝવેરાત, કાપડ, ચામડું, કેમિકલ, સીફૂડ અને એન્જિનિયરિંગ સામાન જેવા ક્ષેત્રોને આ સોદાથી સૌથી વધુ ફાયદો થશે. અમેરિકા પહેલાથી જ ભારતની કુલ નિકાસમાં આશરે ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. ટેરિફ ઘટાડાથી નવા ઓર્ડર વધી શકે છે અને કોર્પોરેટ કમાણી મજબૂત થઈ શકે છે.રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ ફેરફારથી સ્થાનિક ફુગાવામાં વધારો થવાનું જોખમ નથી. સસ્તા તેલ વિકલ્પોની ઉપલબ્ધતા ઊર્જા ખર્ચને નિયંત્રણમાં રાખશે, નિકાસમાં વધારો થશે અને ડોલર આવશે. સાથે-સાથે સામાન્ય લોકોના ખિસ્સા પર વધારાનો બોજ પણ અટકશે.

Nikhil Bhatt
Business Editor
Investment Point

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો / www.nikhilbhatt.in ને આધીન...!!

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!