
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : વૃક્ષારોપણની શ્રેષ્ઠ કામગીરી માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસાને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્ધારા રાજ્યની 15 જેટલી પર્યાવરણ પ્રેમી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું.
‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર રાજ્ય ભરમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉછેરી રહી છે અને વધુ વૃક્ષો વાવવા જાહેર જનતા અને સેવાકીય સંસ્થાઓને પ્રોત્સાહિત કરી રહી છે. ત્યારે રાજ્યની ઘણી વ્યક્તિ – સંસ્થા દ્ધારા પર્યાવરણ બચાવવાની ભાવનાથી વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ બાબતની નોધ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ લીધી. ગુજરાતની વૃક્ષારોપણ ક્ષેત્રે સંકળાયેલી 15 સંસ્થાઓના પ્રતિનિધિ સાથે વિધાનસભા ખાતે મુલાકાત લઈ તેઓના કામની સરાહના, પ્રશંશા કરી વિશેષ નોધ લેવામાં આવી તેમજ તમામને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાને પણ વૃક્ષારોપણ માટે મોમેન્ટો દ્ધારા સન્માનિત કરવામાં આવી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા શરૂઆતથી વૃક્ષોને મહત્વ આપી વિવિધ જગ્યાએ હજારોની સંખ્યામાં વૃક્ષારોપણ કરી રહી છે. આ કાર્યક્રમમાં પ્રવાસન સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલ, મહેસૂલ વિભાગના સચિવ શ્રી ડો. જયંતિ એસ. રવી હાજર રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું તથા આગામી સમયમાં વધુ ઉત્સાહથી વૃક્ષો વાવવા અને જાગૃતિ ફેલાવવા ચર્ચા કરી હતી. હાજર પ્રતિનિધિઓએ પોતાના પ્રશ્નો, અનુભવ વર્ણવ્યા હતા. અધ્યક્ષએ તેઓની નાનામાં નાની વાત સાંભળી તેઓને તમામ સહકાર આપવા જણાવ્યુ હતું.




