
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી પાસે ફરી ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો, 1 કિમિ ટ્રાફિક જામ થયો
અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક સતત વરસાદના કારણે ગિરિમાળાઓમાંથી ભેખડો ધસી પડવાની ઘટનાઓ વધી રહી છે. શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે ભેખડો પડતા વાહન વ્યવહારમાં મોટો ખલેલ સર્જાયો હતો.
ભેખડો પડતા માર્ગ પર એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ડુંગર પરથી મસમોટા પથ્થરો ખાબકતા વાહનચાલકો તથા યાત્રાળુઓ માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળા માટે આવતા દર્શનાર્થીઓની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી થઈ હતી જોકે તંત્ર દ્વારા સ્થળ પર તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ ચાલુ રહેતા આવતા દિવસોમાં ભેખડો ધસી પડવાની સંભાવના નકારી શકાય તેમ નથી.શામળાજી-ઉદેપુર માર્ગ પર મુસાફરી કરતા લોકો માટે તંત્ર દ્વારા વિશેષ ચેતવણી આપવામાં આવી છે.




