
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.21 જુલાઈ : કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિ પ્રકાશમાં આવી છે, જ્યાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલ વિરાણીયા ખાતેનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે વર્ષ વીતી ગયા હોવા છતાં શરૂ થયું નથી. આ ઉપરાંત, સરકારી દવાખાનાઓમાં ડિલિવરીની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને ખાનગી હોસ્પિટલોમાં ઊંચા બિલ ચૂકવવા પડી રહ્યા છે.
વિરાણીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઠાગાઠૈયા:
વર્ષ 2022માં, આરોગ્ય કમિશનર દ્વારા રાજ્યના 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં અપગ્રેડ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ પૈકી, 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સ્થળફેર કરવાની મંજૂરી અપાઈ હતી, જેમાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિહણીયા ખાતે સ્થળફેર કરવાનું કહેવાયું હતું. જોકે, સ્થાનિક આરોગ્યતંત્ર દ્વારા “વિહણીયા” નામનું કોઈ ગામ અસ્તિત્વમાં ન હોવાનો જવાબ આપવામાં આવ્યો. કમિશનર કચેરીની તપાસમાં જાણવા મળ્યું કે આ એક મુદ્રાદોષ હતો અને “વિરાણીયા” ને બદલે ભૂલથી “વિહણીયા” છપાઈ ગયું હતું. આ ભૂલ સુધારવા માટે ગુજરાતના રાજ્યપાલ દ્વારા ફેબ્રુઆરી 2023માં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
ત્યારબાદ, એપ્રિલ 2023માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર, મુન્દ્રાને વિરાણીયા ખાતે તાત્કાલિક અસરથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની સૂચના આપવામાં આવી, જેમાં પંચાયત દ્વારા વીજળી, પાણી અને ગટરની સુવિધાવાળું ભાડાનું મકાન ઉપલબ્ધ કરાવવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ, બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, વિરાણીયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થયું નથી.
નેશનલ હાઈવે નજીક હોવા છતાં, વિરાણીયા અને આસપાસના ગામોના લોકોને આરોગ્ય સુવિધાઓ માટે અન્યત્ર ભટકવું પડે છે. ઘણીવાર આસપાસના આરોગ્ય કેન્દ્રો બંધ હોવાથી ધરમધક્કા થાય છે. સ્થાનિક લોકોની પ્રબળ માંગ છે કે વિરાણીયામાં તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે જેથી 24 કલાક ડોક્ટરની સુવિધા અને ડિલિવરી જેવી સેવાઓ સ્થાનિકે જ મળી રહે.
કચ્છમાં ઘટતી ડિલિવરી સંખ્યા અને સવાલો:
એક ચોંકાવનારી વિગત મુજબ, ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી માટે ₹30,000 થી ₹70,000 નો ખર્ચ થાય છે. કચ્છ જિલ્લામાં 80 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપલબ્ધ હોવા છતાં, સરકારી સંસ્થાઓમાં ડિલિવરી કરાવવામાં આવતી નથી તેવું જાણવા મળ્યું છે. દસેક વર્ષ પહેલાં જ્યારે એક નિવૃત્ત મિલિટરી ઓફિસર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હતા, ત્યારે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 10 અને પેટા આરોગ્ય કેન્દ્રમાં દર મહિને 3 ડિલિવરી ફરજિયાત કરવા માટે ટાર્ગેટ આપવામાં આવતું અને તેનું કડક રિવ્યુ પણ થતું હતું. જેના પરિણામે હજારોની સંખ્યામાં સરકારી સંસ્થાઓમાં ડિલિવરી થતી હતી અને ભુજના એક પેટા આરોગ્ય કેન્દ્રને સૌથી વધુ ડિલિવરી કરવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ઇનામ પણ મળ્યું હતું.
પરંતુ, સુવિધાઓમાં વધારો થયો હોવા છતાં, સરકારી સંસ્થાઓમાં ડિલિવરીની સંખ્યા ઘટતી જાય છે. લાખો રૂપિયાના સાધનો સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા હોવા છતાં લોકોને ડિલિવરી માટે મોટા બિલ ચૂકવવા પડે છે. કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે કે કદાચ આ વસ્તી નિયંત્રણ લાવવા માટે સરકારની નવી નીતિ હોઈ શકે છે!
એવી પણ માહિતી મળી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ક્વોલિફાઇડ ડોક્ટરની અછત છે. જોકે, દસ વર્ષ પહેલાં ગામની અભણ દાયણબેનો દ્વારા ઘરે ઘરે ડિલિવરી કરાવવામાં આવતી હતી, ત્યારે દરેક આરોગ્ય કેન્દ્રમાં ઓછામાં ઓછી ત્રણ ક્વોલિફાઇડ નર્સ હોવા છતાં વર્ષોથી “શૂન્ય ડિલિવરી” નો રિપોર્ટ કરવામાં આવે છે. આના પરથી બુદ્ધિજીવીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જિલ્લા કે રાજ્ય કક્ષાના આરોગ્યતંત્રને આની જાણ નથી?
આયુષ્માન કાર્ડનો દુરુપયોગ અને અન્ય અનિયમિતતાઓ:વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ક્વોલિફાઇડ ડોક્ટર ન હોવા છતાં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને દર્દીઓને 24 કલાકથી વધુ સમય માટે દાખલ બતાવીને સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે. જાણકારો મુજબ, ઉપલી કક્ષાએથી ફરજિયાત ક્લેઇમ કરવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. પરંતુ, કચ્છમાં માત્ર 4 થી 6 કલાક ખુલતા દવાખાનામાં 24 કલાકથી વધુ સમય માટે દર્દીઓ કેવી રીતે દાખલ થઈ શકે? શું દર્દીના ભરોસે દવાખાનું છોડી દેવામાં આવે છે? આની પણ તપાસ થાય તો ઘણી વિગતો બહાર આવી શકે છે.
નાના કપાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અવ્યવસ્થા:હાલમાં, મોટી ભુજપુરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાના કપાયાના પેટા આરોગ્ય કેન્દ્રમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ જગ્યા અત્યંત નાની હોવાથી દર્દીઓને ઇન્ડોર સારવાર આપવી શક્ય નથી, સ્ટાફને બેસવા માટે પણ જગ્યા નથી અને દવા રાખવા માટે પણ જગ્યા ન હોવાથી પૂરતી દવા મંગાવવામાં આવતી નથી. “મઢી નાની ને બાવા જાજા” જેવો તાલ કપાયામાં જોવા મળી રહ્યો છે.
ઉપરથી, નાના કપાયા આરોગ્ય કેન્દ્રની સામે છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાય છે. આ અંગે કેન્દ્રના કર્મચારીઓ દ્વારા પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. જેના કારણે દવા લેવા આવતા દર્દીઓ અને સ્ટાફને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છતા માટે કાર્ય કરતી આરોગ્ય કેન્દ્ર જેવી સંસ્થાઓની સામે જ ભયંકર ગંદકી હોય તો તેને “દીવા તળે અંધારું” કહેવું યોગ્ય રહેશે.કચ્છના લોકો આ તમામ બાબતોથી પરેશાન થઈને આરોગ્ય ક્ષેત્રે સુખનો સૂરજ ઉગે તેની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે સરકાર તાત્કાલિક ધ્યાન આપે અને જરૂરી કાર્યવાહી કરે તેવી જનતાની માંગ છે.




