GUJARAT
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા મુખ્ય પુલો નું નિરિક્ષણ

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ, મેરીયા, ભારજ નદી પર આવેલા પુલો અને રસ્તાઓને નુકશાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ બ્રિજ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. જિલ્લા
કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ – ૫૬ પર બોડેલી પાસે આવેલ મેરીયા નદી પરના પુલ અને ઓરસંગ નદી પરના પુલને નુકસાન થવાના કારણે બંને પુલોની માળખાકીય સ્થિતિ જાણવા માટે એનએચઆઈની ટેકનિકલ ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આથી બંને પુલ પર ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે અને આ પુલ પરથી ટૂ-વ્હિલર, કાર અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું હતું.જિલ્લા કલેક્ટરએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈને જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી હતી. તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહનવ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો.





