દક્ષિણ અમેરિકાના દેશોમાંથી ડ્રગ્સ અંકલેશ્વર કઇ રીતે પહોંચ્યું તેની તપાસ શરૂ

સમીર પટેલ, ભરૂચ
દુબઇ સ્થિત બિઝનેસમેન વિરેન્દ્ર બસોયાની ટોળકીનું આંતરરાષ્ટ્રીય રેકેટ
ભરૂચ અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીએ પૂણેની ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપની સાથે 40 ટનથી વધારે મટીરીયલ પ્રોસેસ કરી આપવાનો કરાર કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરાના અમિત મૈસુરીયા મારફતે બંને કંપનીઓ એકબીજાના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે જોબવર્ક માટે કરાર કરાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહયું છે. ઓગષ્ટથી અત્યાર સુધીમાં આવકારના સંચાલકોએ 1,200 કિલો સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથાફેટામાઇન બનાવીને પણ આપ્યું હતું. ફાર્માસ્યુટીકલ પાવડરના નામે આ જથ્થો દીલ્હી પહોંચાડવામાં આવતો હતો. દિલ્હીમાંથી 700 કિલો અને અંકલેશ્વરમાંથી 500 કિલો ડ્રગ્સ કબજે લેવાયું છે. આ તમામ ડ્રગ્સ દક્ષિણ અમેરીકાના દેશોમાંથી લાવીને અંકલેશ્વર પ્રોસસિંગ માટે અપાયું હોવાની શકયતાઓ છે. આખુ રેકેટ દુબઇથી વિરેન્દ્ર બસોયા ઓપરેટ કરતો હોવાની પોલીસને શંકા છે. કંપનીના ત્રણ ડીરેકટર સહિતના 5 આરોપીઓ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે ત્યારે પોલીસ દક્ષિણ અમેરિકાથી આવેલું ડ્રગ્સ કયાં રૂટથી અંકલેશ્વર સુધી પહોંચાડવામાં આવ્યું તેની તપાસ કરી રહી છે. અંકલેશ્વર સુધી ડ્રગ્સ પહોંચાડવા માટે બોગસ ફાર્મા કંપનીની બિલ્ટીનો ઉપયોગ કરાયો છે. પૂણેથી બે કોડેડ સહિત 7 પ્રકારનું રો મટીરીયલ મોકલવામાં આવતાં હતાં જેના પ્રોસેસ બાદ સોલ્ટ ફોર્મમાં કોકેઇન અને મેથાફેટામાઇન તૈયાર થતું હતું. બંને ડ્રગ્સ દીલ્હી અને ત્યાંથી અલગ અલગ સ્થળોએ મોકલવાની માફિયાઓની યોજના હતી. આવકાર ફાર્માને 40 ટન કેમિકલ પ્રોસેસ કરવાનું જોબવર્ક મળ્યું હોવાની વિગતો સામે આવી છે. દુબઇ સ્થિત વિરેન્દ્ર બસોયા અને તેની ડ્રગ્સ કારટેલે આખો કારસો ઘડયો હોવાનું તપાસમાં સામે આવી રહયું છે.
				


