હાલોલ:ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પાવાગઢની મુલાકાતે પહોંચ્યા,માઁ મહાકાળીના દર્શન કર્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૨.૨૦૨૬
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે બુધવારના રોજ પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમ્યાન આજે સવારે પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન શ્રી કાલિકા માતાજી મંદિર ના દર્શને પહોંચ્યા હતા. દર્શન પૂર્વે તેઓ તળેટીમાં સ્થાનિક સરપંચ અને પાર્ટીના કાર્યકરોને મળ્યા હતા, જ્યાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન જગદીશભાઈ સાથે પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તથા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, ભરતભાઈ ડાંગર સહિત અનેક ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તેઓ સ્થાનિક ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કુંવરબેન રવાભાઈ ચારણના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જગદીશભાઈએ પાવાગઢ વિસ્તારના ભાજપના જમીની કાર્યકરો વિશે વિસ્તૃત માહિતી મેળવી અને ઉપસ્થિત કાર્યકરોને સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ તેમણે ડુંગર ઉપર બિરાજમાન શ્રી કાલિકા માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.













