KHERGAMNAVSARI

વાંકલ ગામમાં મેરીટ પોલીમર્સ કંપની દ્વારા ધ્વનિ પ્રદૂષણની ગંભીર ઉલ્લંઘના ગ્રામજનો દ્વારા વલસાડ કલેક્ટરને રજૂઆત

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

વલસાડ જિલ્લાના વાંકલ ગામમાં આવેલી મેરીટ પોલીમર્સ કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોની ધરાર અવગણના કરવામાં આવી રહી હોવાના આરોપ સાથે ગ્રામજનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.વાંકલ ગામમાં મેરીટ પોલીમર્સ કંપની સ્થાપના થયા બાદથી સતત વિરોધ અને વિવાદો ચાલતા આવ્યા છે. ગ્રામજનો દ્વારા ગ્રામસભાના ઠરાવો, ધ્વનિ પ્રદૂષણ, તેમજ સ્ત્રીઓ અને બાળકોની સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓને લઈને વારંવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમ છતાં કંપની દ્વારા ગ્રામસભાના ઠરાવની વિરુદ્ધ ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દાદાગીરીપૂર્વક કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે.આ રજૂઆત દરમિયાન સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ તથા ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ, માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય જયશ્રી પટેલ, ધરમપુર આમ આદમી પાર્ટીના નેતા કમલેશ પટેલ, મનાલાના સરપંચ જયેન્દ્ર ગાંવિત, વકીલ કેયુર પટેલ, યુવાઆગેવાન મયુર પટેલ, શૈલેષ પટેલ, અનિલ પટેલ તેમજ મહેશભાઈ, રાકેશભાઈ, ધર્મેશભાઈ, જીગ્નેશભાઈ, જયેશભાઈ, જશોદાબેન, મીનાબેન, રસિલાબેન, ગંગાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.રજૂઆતમાં જણાવ્યા મુજબ CPCB–GPCBના નિયમો અનુસાર રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી ધ્વનિ સ્તર 55 ડેસિબલ અને રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી 45 ડેસિબલ હોવું જરૂરી છે. પરંતુ મેરીટ પોલીમર્સ કંપની દ્વારા નિયમિત રીતે આ મર્યાદા કરતાં વધુ ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન કંપની દ્વારા અધિકારીઓને ગેરમાર્ગે દોરવા અવાજનું સ્તર તાત્કાલિક ઓછું કરી દેવામાં આવતું હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું.ગ્રામજનોએ પોતાની તરફથી ધ્વનિ માપવાનું મશીન મંગાવી તપાસ કરતા મોટા ભાગે અવાજનું સ્તર 45 ડેસિબલથી વધુ, ઘણી વખત 55થી 65 અને ક્યારેક 70થી 75 ડેસિબલ સુધી પહોંચતું હોવાનું જણાયું છે. જેના કારણે ગ્રામજનોની રાત્રિની ઊંઘ ભંગ થાય છે તેમજ ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત સાંજે નોકરી પૂર્ણ કર્યા બાદ કંપનીના કેટલાક કર્મચારીઓ દારૂ પી ને પરત ફરતા અશ્લીલ ગાળો બોલતા હોવાના કારણે મહિલાઓ અને બાળકોને અતિ ક્ષોભજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ બાબતે અગાઉ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે. હવામાં કચરો ઉડતો હોવાની ફરિયાદ પણ રજૂઆતમાં કરવામાં આવી હતી.આગેવાનોએ વલસાડ જિલ્લા તંત્રને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી ગ્રામજનોને ન્યાય અપાવવાની માંગ કરી છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને તંત્ર દ્વારા આંખ આડાકાન કરવામાં આવશે, તો બહેનો-બાળકોની સુરક્ષા, જળ-જંગલ-જમીનના સંરક્ષણ તથા ધ્વનિ પ્રદૂષણના વિરોધમાં કંપનીની બહાર ઘરણાં પ્રદર્શન કરવાની ફરજ પડશે, જેનાથી જો કાયદો અને વ્યવસ્થા બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી વલસાડ જિલ્લા તંત્રની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!