સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા જલાલપોરના વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
Border Security Force માં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા વીર જવાન મુકેશભાઈ દેવજીભાઈ બોરીચાનું જિલ્લા મથક નવસારી ખાતે ગૌરવપૂર્ણ અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
છેલ્લે આસામની સરહદ પર ફરજ બજાવી નિવૃત્તિ બાદ જ્યારે તેઓ નવસારી રેલવે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે ત્યાંથી લઈને જલાલપોર લીમડા ચોક અને કિરણનગર સુધી ઢોલ-નગારા તથા દેશભક્તિના નારા સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. આ રેલીમાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે સામાજિક આગેવાન નાનજીભાઈ લુહાર, એડવોકેટ પરેશભાઈ વાટવેચા, વિપુલભાઈ મકવાણા, કેશુભાઈ બોરીચા તેમજ રમેશભાઈ વાળા સહિતના અગ્રણીઓએ હાજરી આપી મુકેશભાઈની દેશસેવાને બિરદાવી હતી. જલાલપોરની કિરણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈના નિવૃત્તિ પ્રસંગને પરિવાર અને સમગ્ર સમાજ દ્વારા એક ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો હતો.
વર્ષો સુધી આસામ જેવી દુર્ગમ સરહદો પર દેશની સેવા કર્યા બાદ માતૃભૂમિ પરત ફરેલા મુકેશભાઈ બોરીચાનું પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ પણ આ ભવ્ય રેલીમાં જોડાયા હતા.તેઓ આ પ્રસંગે જણાવ્યું હતું કે સૈનિકો દેશની સરહદો પર પોતાનું જીવન જોખમમાં મૂકી દેશનું રક્ષણ કરે છે, ત્યારે આપણે સૌએ પણ એમનું સન્માન કરવું જોઈએ અને દેશની સ્વચ્છતા, સુંદરતા અને શાંતિ જાળવવામાં સહભાગી બનવું જોઈએ.
નવસારીના રાજમાર્ગો પર નીકળેલી આ સન્માન રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને ખાસ કરીને યુવાનોમાં દેશસેવાની પ્રેરણા જગાવી હતી.





