જામનગર ઉદ્યોગનગર-એક જગ્યાએ ખુલી ગટરમાં છોડાતુ”તુ ઝેરી નિકાસ
*જામનગર જીઆઇડીસીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સપાટો:*
*જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં જ ગેરરીતિ ઝડપાઈ*
*પ્રમુખના કારખાનામાં જ પર્યાવરણીય નિયમોના ધજાગરા*
*જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખની ફેક્ટરીમાંથી બાયપાસ કરી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશ, GPCB દ્વારા નોટિસ ફટકારી*
જામનગર (ભરત ભોગાયતા)
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દરેડ સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) ઉદ્યોગનગરમાં કાર્યરત બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં GPCB દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, આ કારખાનું જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખનું હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે સમગ્ર ઔદ્યોગિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, GPCB ની જામનગર સ્થિત પ્રાદેશિક કચેરીને મળેલી બાતમીના આધારે અધિકારીઓની એક ટીમે દરેડ જીઆઇડીસી ફેઝ-૩ મા આવેલા બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ એકમ પર તપાસ હાથ ધરી હતી. આ એકમના માલિક મનસુખભાઇ ચૌહાણ છે, જેઓ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. તાજેતર મા મનસુખભાઇ એલ. ચૌહાણ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ છે તે શંકર ટેકરી ખાતે આવેલા એસોસિએશન દ્વારા સ્થાપિત થનારા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) કાર્યરત છે.
GPCB ના જામનગર કચેરીના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, “બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સના નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું.” આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અને અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતા છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.
અધિકારી ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, “આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે. એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે.” દરોડા દરમિયાન GPCB ની ટીમે જરૂરી નમૂનાઓ એકત્રિત કર્યા છે અને પ્રાથમિક તપાસના અંતે કારખાનાના સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર ખાતેની GPCB ની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે, જેના પગલે આગામી દિવસોમાં કડક કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.
આ ઘટનાએ જામનગરના ઔદ્યોગિક એકમોમાં પર્યાવરણીય નિયમોના પાલન પ્રત્યેની ઉદાસીનતા અને જવાબદાર સંસ્થાઓના પદાધિકારીઓ દ્વારા જ નિયમો નેવે મુકાતા હોવાની ગંભીર બાબતને ઉજાગર કરી છે. એક તરફ ઉદ્યોગોના વિકાસની વાતો થાય છે, તો બીજી તરફ પર્યાવરણના ભોગે આર્થિક લાભ ખાટવાની વૃત્તિ ચિંતાજનક છે. GPCB દ્વારા આ મામલે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી પર્યાવરણપ્રેમીઓ અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. હાલ, આ બનાવને પગલે અન્ય ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓ પણ પોતાના એકમોમાં પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા લાગ્યા હોવાનું મનાય છે. આગામી સમયમાં GPCB દ્વારા આવા વધુ દરોડા પાડવામાં આવે તેવી પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
_________________
—regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com