
જોડીયા:તા૫, શરદ રાવલ હડિયાણા
વર્ષોથી પંચાયતને ગ્રાન્ટના અભાવે પીજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવેલ છે. આથી સાંજ પછી આશરે પંદર હજારની વસ્તી ધરાવતા જોડિયાના ગ્રામજનોને અને ખાસ કરીને આબાલ, વૃદ્ધો, મહિલાઓ સહિત સૌને તકલીફ પડતી હતી. લોકોને પડતી આ હાલાકી દૂર કરવા માટે મૂળ જોડીયાના અને હાલ મુંબઈ સ્થાયી થયેલ જી. એન. ફાર્મવાળા હાજી ઈબ્રાહીમ હાજી જુસબ અને નાગપુરના હાજી અબુ બકર હાજી આમદ દ્વારા ૧૦૦-૧૦૦ મળી કુલ ૨૦૦ સોલર સ્ટ્રીટ લાઇટ નાખવા આયોજન કર્યું છે. સોલર પાવરથી ચાલતી એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટથી આ સમસ્યા હલ થઈ જશે અને પાવરના બિલની પણ કોઈ સમસ્યા નહીં રહે.
આ આયોજનના પ્રસંગે ગામના અગ્રણીઓ સરપંચ બાવલાભાઈ નોતિયાર, માજી સરપંચ અશોકભાઈ વર્મા, જોડિયા એપીએમસીના ચિરાગભાઈ વાંક, ભગુભાઈ વાંક, પંચાયત સભ્ય અકબરભાઈ પટેલ, ઈલ્યાસભાઈ, અસલમભાઈ પઠાણ, ફરીદભાઈ, પુનિતભાઈ ભટ્ટ વગેરે હાજર રહ્યા હતા અને વતન પ્રત્યેના પ્રેમની આ બંને દાતાઓની સુંદર ભાવનાને બિરદાવી હતી.
 
				



