ભરૂચના દરિયા કિનારાના તીર્થસ્થાનો અને જેટીઓ પર સુરક્ષાની ચકાસણી

સમીર પટેલ, ભરૂચ
પોલીસનું બે દિવસથી ચાલી રહેલું સાગર કવચ ઓપરેશન
ભરૂચ જિલ્લો 122 કીમી લાંબો દરિયાકિનારો ધરાવે છે અને તેમાં દહેજ ખાતે ચારથી વધારે ખાનગી જેટીઓ તથા અનેક ઉદ્યોગો આવેલાં છે. કંબોઇ તીર્થસ્થાન ખાતે પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતાં હોવાને કારણે જિલ્લાનો દરિયાકાંઠો સલામતી અને સુરક્ષાની દ્દષ્ટિએ ઘણો મહત્વનો માનવામાં આવે છે. ગુજરાતની દરિયાઇ તથા જમીની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક રહેતી હોય છે. રાજયના 1600 કીમી લાંબા દરિયામાં થતી ગેરકાયદે પ્રવૃતિઓ તથા ઘુસણખોરી સહિતના બનાવો અટકાવવા માટે પોલીસ અને એજન્સીઓની સતર્કતા ચકાસવા ઓપરેશન સાગર કવચ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસથી દરિયા વિસ્તારમાં શંકાસ્પદ બોટની ગતિવિધી હોવાના ઇનપૂટના આધારે ભરૂચ જિલ્લામાં એસઓજીની ટીમ સાથે જિલ્લાની દરિયા કિનારેની પોલીસ સતર્ક બની હતી. જંબુસર, કાવી, વેડચ, હાંસોટ, દહેજ, વાગરા, દહેજ મરીન તથા એસઓજીના પોલીસ કર્મચારીઓની વિવિધ ટીમો બનાવીને 122 કીમી લાંબા દરિયાકાંઠા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં 1 ડીવાયએસપી, 12 પીઆઇ, 16 પીએસઆઇ, 19 એએસઆઇ, 37 હેડ કોન્સ્ટેબલ, 150 કોન્સ્ટેબલ મળી કુલ 245 પોલીસ કર્મયઓએ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલાં 50થી વધારે ગામો તેમજ દરિયામાં થતી તમામ ગતિવિધિઓ પણ નજર રાખવામાં આવી રહી છે.



