GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરાયું

તા.૨૭/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રૂ.૨.૯૫ કરોડના ખર્ચે નિર્મિત નવું નગર સેવાસદન જસદણ શહેરનું ઘરેણું બની રહેશે

નાગરિકોની સુખાકારી વધે તેના માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ

Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આજે જસદણમાં નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૨.૯૫ કરોડના ખર્ચે સાકાર થયેલું સુવિધાસભર નવું નગર સેવાસદન જસદણ શહેરના ઘરેણાં સમાન બની રહેશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

જસદણ શહેર વચ્ચે નિર્માણ પામેલા અદ્યતન નગરસેવા સદનને ખુલ્લુ મુકતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, આગામી દિવસોમાં જસદણ શહેર વધુ સુંદર, સમગ્ર રીતે વિકસિત બને અને લોકોની સુખાકારી વધે તેવા પ્રયાસો સતત ચાલી રહ્યા છે. આ ભવનમાંથી લોકોની રજૂઆતો, પ્રશ્નોનો સરળતાથી અને સમયસર નિકાલ થશે અને નાગરિકોની સુખાકારીને લગતા કામો સતત થતા રહેશે તેવી ખાતરી તેમણે આપી હતી.

જસદણ વિછીયા પંથકમાં પીવાના પાણીની કરાયેલી વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સૌની યોજનાનું પાણી નિયમિત રીતે આલણ સાગર ડેમમાં ઠલવાય અને આ વિસ્તારમાં નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જસદણ શહેરમાં પીવાના પાણી પુરતી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શહેરમાં હાલ રિવરફ્રન્ટ તેમજ પૂર સંરક્ષણ દિવાલના કામ ઝડપથી આગળ વધારવામાં આવશે.

આ પંથકમાં શિક્ષણની સુવિધાઓ, રમત-ગમત સંકુલ સહિતની કરાયેલી વ્યવસ્થાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, જસદણમાં હાલ નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કામ પણ ગતિમાં છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિચરતી વિમુક્ત જાતિના આવાસ વિહોણા લોકોને પાક્કું મકાન મળી રહે તે માટે સઘન કવાયત હાથ ધરીને, જસદણ તથા વિંછીયા તાલુકાના આશરે એક હજાર જેટલા લોકોને ૧૦૦ વારના સરકારી પ્લોટ આપવામાં આવ્યા છે. તેમાંથી ૪૫૦ જેટલા લોકોની મકાન બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત રૂ. ૪- ૪ લાખની સહાય પણ મંજૂર કરાવી દેવામાં આવી છે. નાગરિકોને દરરોજ માથાદીઠ ૭૦ લીટરથી વધીને ૧૦૦ પાણી મળી રહે તેવી વ્યવસ્થા અને કામો ગતિમાન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ તકે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીએ જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે જસદણમાં અ વર્ગની નગરપાલિકા જેવું નવું નગર સેવાસદન બનાવવામાં આવ્યું છે. હાલમાં શહેરી વિકાસ વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં શહેરીજનોની સુખાકારી માટે રાજ્ય સરકારે અનેકવિધ આયોજનો કર્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

આ તકે બાંધકામ સમિતિ ચેરમેન શ્રી સોનલબેન વાસણી, તાલુકા મામલતદાર શ્રી આઈ.જી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. નવા નગર સેવાસદનનું લોકાર્પણ કર્યા બાદ મંત્રીશ્રીએ સમગ્ર સદનનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે નવા સદનમાં કામ કે રજૂઆત લઈને આવતા લોકોના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવાની અને લોકોના હિત માટે સતત કાર્યરત રહેવાની સૂચના પણ તેમણે પદાધિકારીઓ તથા અધિકારીઓને આપી હતી.

આ અવસરે નગર પાલિકા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ છાયાણી, ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ થડેશ્વર, કારોબારી સમિતિ ચેરમેન શ્રી કાજલબેન ધોળકિયા, પ્રાંત અધિકારી શ્રી આર.આર. ખાંભરા, ચીફ ઓફિસર શ્રી મેહુલ જોધપુરા, અગ્રણી શ્રી વિજયભાઈ રાઠોડ તથા શ્રી અનિલભાઈ મકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!