Jasdan: જસદણ મામલતદાર કચેરીમાં ઓ.આર.એસ. પરબ તથા છાશ કેન્દ્ર શરૂ: હીટવેવ સામે નાગરિકોને રક્ષણ આપવા વહીવટી તંત્રની પહેલ
તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, વહીવટી તંત્ર પ્રો-એક્ટિવ અભિગમ સાથે સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે. ગરમીને ધ્યાનમાં રાખતાં જસદણ મામલતદાર કચેરીમાં ઓ.આર.એસ. કેન્દ્ર તથા છાશકેન્દ્ર શરૂ કરાયું છે. ઉપરાંત એ.ટી.વી.ટી. જનસેવા કેન્દ્રોનો સમય પણ સવારે ૯ વાગ્યાથી કરાયો છે. જેથી અરજદારો બપોર પહેલાં જ વિવિધ સેવાઓને લગતાં કામો માટે આવી શકે.
જસદણ મામલતદાર શ્રી આઈ.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, અહીંની મામલતદાર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર હવેથી એક સપ્તાહ માટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે. જેથી અરજદારોને હીટવેવનો સામનો કરવો ન પડે. તાલુકાની જનતાએ મધ્યાહન પહેલા જનસેવા કેન્દ્રની સેવા માટે આવવા અમે આગ્રહ કરીએ છીએ.
તેમણે કહ્યું હતું કે, હીટવેવની અસરોથી બચવા માટે ઓ.આર.એસ. સૌથી ઉત્તમ દ્રાવણ હોય છે. આથી જસદણની મામલતદાર કચેરી ખાતે ઓ.આર.એસ. પરબ બનાવવામાં આવી છે. કચેરી ખાતે આવતા સૌ કોઈ અરજદારો તેમજ કર્મચારીઓ ઓ.આર.એસ. દ્રાવણનો લાભ લઈ શકે છે. આ સવલતનો બધા ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત અહીં આર્યમાન ગીર ગૌશાળાના સૌજન્યથી છાશનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ગરમીમાં છાશથી મોટી રાહત થાય છે. અરજદારો, મુલાકાતીઓ તથા કર્મચારીઓ આ સવલતનો ઉપયોગ કરે તે ઇચ્છનીય છે.