Jasdan: જસદણમાં સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
ધરતીપુત્રો જમીન તથા પોતાના પરિવારનાં સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિ કરે તેવી આગ્રહભરી વિનંતી છે : સાંસદશ્રી
કુલ રૂ. ૦૯.૮૪ લાખની રકમના ખેત સાધનોની ખરીદી માટે પેમેન્ટ ઓર્ડર તથા ૦૫ લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમ અપાયા
Rajkot, Jasdan: જસદણ શહેરમાં સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ધરતીપુત્રોના કલ્યાણ માટે ચિંતિત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનું મુખ્યમંત્રી પદ શોભાવી રહ્યાં હતાં ત્યારે તેમણે રવિ કૃષિ મહોત્સવની ઉજવણીનો આરંભ કરાવ્યો હતો. ત્યારથી રવિ કૃષિ મહોત્સવ સૌથી લાંબો અને લાભદાયી ઉત્સવ બની ગયો છે. હાલમાં હજુ પણ અનેક ખેડૂતો વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરી રહ્યાં છે. પરંતુ હવે ખેડૂતોએ કૃષિ ક્ષેત્રના વર્તમાન પ્રવાહો સાથે જોડાવું જોઈએ. નવા બિયારણો, નવા સંશોધનો વિશે જાણકારી મેળવીને તેનો ઉપયોગ કરવો જોઈએ, જે માટે તરઘડીયા કૃષિ યુનિવર્સિટી જેવા સ્થળોની મુલાકાત લઇ શકાય. તેમજ ખેતીમાં ટેક્નોલોજી આધારિત નવા પ્રયોગો કરવા જોઈએ. ખાસ કરીને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા સરકાર અધિકૃત નર્સરીમાંથી રોપાની ખરીદી કરવી જરૂરી છે.
વધુમાં, સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, હવે ગામડાંઓમાં પણ દીકરીઓના હાથમાં ડ્રોન જોવા મળે છે. ડ્રોનથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, જેની તાલીમ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. એટલું જ નહીં, તાલીમમાં ઉતીર્ણ થનારને ડ્રોન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તો સમગ્ર દેશ અને રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, તે માટે વિવિધ પ્રયાસો કરી રહી છે. જેમાં ખેડૂતોની સાથે જનભાગીદારી પણ ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધારે અને ગુણવત્તાયુક્ત થાય છે, ખર્ચ નજીવો થાય છે. ત્યારે ખેડૂતોએ કોઈપણ પ્રકારની દવાનો ઉપયોગ કર્યા વિના અનાજ ઉગાડવું જોઈએ. ગંભીર રોગોથી બચવા પણ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનો ઉપયોગ કરીને યોગ્ય ખાનપાન કરવાની આવશ્યકતા છે. આ ઉમદા કાર્યની શરૂઆત ખેડૂતે પોતાના ઘરથી જ કરવી જોઈએ. ધરતીપુત્રો પોતાના પરિવારજનોના પાલન પોષણ માટે પણ પ્રાકૃતિક ખેતી કરે, તેવી આગ્રહભરી વિનંતી છે.
જસદણ તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદશ્રીના હસ્તે ખેતીવાડી યોજનાઓ હેઠળ કુલ રૂ. ૦૯.૮૪ લાખની રકમના પાવર થ્રેસર, રેટાવેટર, ટ્રેક્ટર, સ્માર્ટ ફોન, વોટર કેરિંગ, સોલાર પાવર પોઇન્ટ સહિત સાધનોની ખરીદી માટે પેમેન્ટ ઓર્ડર અપાયા હતાં. ચાફકટર અને બકરા એકમ સ્થાપના સહાય માટે ૦૫ લાભાર્થીઓને મંજૂરી હુકમ અપાયા હતાં. આત્મા પ્રોજેક્ટ અન્વયે ૫૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતાં શ્રી બાબુભાઈ કાનગડને પ્રોત્સાહનરૂપે રૂ. ૨૫ હજાર અને પ્રશસ્તિપત્ર અપાયા હતાં. તેમજ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત અતિ કુપોષિતમાંથી સામાન્ય ગ્રેડમાં આવેલા બે બાળકોને ખાદીનો રૂમાલ અને ડ્રોઈંગ કીટ અપાઈ હતી.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી વી. પી. કોરાટે સ્વાગત પ્રવચન અને ખેતી અધિકારી શ્રી વી. એમ. બાબરીયાએ આભારવિધિ કરી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક શ્રી શિવાનીબેન પટેલ અને પ્રાધ્યાપક શ્રી શ્રી ડો. જે. એસ. પરસાણાએ ખેડૂતોને ખેતી વિષયક વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત સૌ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત કૃષિ સંવાદમાં વર્ચ્યુઅલી જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિલીપભાઈ ગઢવીએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અહીં રવિ કૃષિ મહોત્સવ અન્વયે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને મિલેટ – ટેક હોમ રાશનથી બનેલી વાનગીઓનાં સ્ટોલ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ, જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, ઇફકો નેનો યુરિયા, પશુપાલનની યોજનાઓ, લીડ બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ટપક સિંચાઈ અને ખેત ઓજાર વિશે જાગૃતિ ફેલાવતાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની સાંસદશ્રીએ મુલાકાત લીધી હતી.
આ તકે મામલતદાર શ્રી આઇ. જી. ઝાલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. જી. પરમાર, માર્કેટ યાર્ડ ચેરમેન શ્રી રમેશભાઈ હીરપરા, અગ્રણીઓ શ્રી દેવેન્દ્રભાઈ ઝાપડિયા, શ્રી સુરેશભાઈ ઝાપડિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.