JETPURRAJKOT

જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને નશામુક્ત અભિયાનની કમિટીની બેઠક યોજાઈ

તા.૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આગામી રક્ષાબંધને ૫૦ હજાર લોકોને નશામુક્ત થવા સંકલ્પ લેવડાવવામાં આવશે

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરની નશામુક્ત અભિયાનની કમિટીની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આગામી માસથી શરૂ થનાર કાર્યક્રમ અને અભિયાન અંતર્ગતની વિવિધ પ્રવૃત્તિઓ વિશેનો એક્શન પ્લાન રજૂ કરાયો હતો. જેને મંજૂરી આપી કલેકટરશ્રીએ સોશિયલ મીડિયા દ્વારા પણ નશામુક્તિ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો.

રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓના સહયોગથી ૧૧૦ જેટલા સ્વયંસેવકો અભિયાન માટે નિમણૂક પામેલ છે. કલેક્ટરશ્રીએ સ્વયંસેવકોને અદ્યતન તાલીમ આપવા તેમજ નશામુક્ત થનાર લોકોની સફળતાને પ્રસિધ્ધ કરવા અને જિલ્લામાં ચાલતા સપોર્ટ ગૃપ વિશે વધુ પ્રચાર કરવા સૂચન કર્યું હતું.

બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નશા મુક્તિ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખાસ ફરતા રથ દ્વારા લોકોને નશાથી થતા નુકસાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગ્રામ્ય કક્ષાએ કઠપૂતળીના ખેલ દેખાડીને અને અન્ય કાર્યક્રમ દ્વારા લોકોને નશાથી દૂર રહેવા માટે સમજાવવામાં આવ્યા છે.

હાલ ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ તથા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જોડાણ સાથે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્માકુમારી અંજુબહેનએ જણાવ્યું હતું કે,છેલ્લા ૪૧ દિવસમાં ૩૬૭ શાળાઓમાં અભિયાન ચલાવી ૭૮૦૦૦ જેટલા બાળકોને જાગૃત કરવામાં આવ્યા છે.રાજકોટ જિલ્લામાં આ માટે ખાસ ૨૦ કેન્દ્રો પણ ચાલે છે અને આગામી સમયમાં કારખાના ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવી વર્ગને ખાસ મળી તેના માટે કાર્યક્રમ ચલાવી તેમને વ્યસન મુક્ત કરવા માટે અભિયાન ચલાવવામાં આવશે. ૧૫ ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે પચાસ હજારથી વધુ લોકોને નશામુક્ત થવાના દૃઢ સંકલ્પ કરાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમજ વ્યસનમુક્ત થયેલ લોકોનું સન્માન કરવામાં આવશે.

આ બેઠકમાં ડીસીપી ક્રાઈમ શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ડી.એલ.એસ.એ. જજશ્રી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રી અવની દવે, એ.એસ.ડબલ્યુ શિવાલી લાબા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી પ્રાર્થનાબેન શેરસીયા, શિક્ષણ, આરોગ્ય વગેરેના વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!