અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
બાબાસાહેબ આંબેડકર ભવન,મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૯મા હપ્તા અંતર્ગત અરવલ્લી જિલ્લાના ૮૦ હજારથી વધુ ખેડુતોને સીધી બેક ખાતામાં ચૂકવાઈ
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો આજ રોજ બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ બાબાસાહેબ આંબેડકર ભવન, મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેનએ જણાવ્યું હતું કે, દેશ તથા રાજ્યના અન્નદાતાઓને આર્થિક રીતે પગભર કરી આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જો ખેડૂતો પ્રગતિશીલ હશે તો રાજ્ય તથા દેશનો સર્વાંગી વિકાસ થશે.વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે સમગ્ર માહિતી ખેડૂતોને ઘર બેઠા જ મળી રહી છે.કાર્યક્રમમાં ખેડુતોને કૃષિ સંલગ્ન વિષયોની અધતન માહિતી મળી રહે તે માટે કૃષિ, આત્મા, બાગાયત, પશુપાલન અને અન્ય સંલગ્ન વિભાગોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તકે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને સન્માનપત્ર તથા સહાય ચેક વિતરિત કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના ૧,૯૬,૪૩૯ ખેડૂત કુટુંબોને, એકંદરે ૧૮ હપ્તામાં રૂ.૪૫૬ કરોડની સહાય તેમના બેન્ક એકાઉન્ટમાં સીધી ચૂકવવામાં આવેલ છે.