
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૫ જાન્યુઆરી : કચ્છ જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 2116 આંગણવાડી કેન્દ્રોમાં પરંપરાગત પતંગ ઉત્સવની ઉજવણી ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. બાળકોમાં સર્જનાત્મકતા, ટીમવર્ક અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લાગણી વિકસે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આંગણવાડી કેન્દ્રોમાં નાના બાળકો સુરક્ષિત રીતે પતંગ ઉડાવવાના નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બાળકો દ્વારા “કાઈપો છે”ના નાદ સાથે ઉત્સાહભેર પતંગ ઉડાવવાની મજા માણવામાં આવી. આ ઉજવણી દરમિયાન બાળકોને ભારતીય પરંપરાગત તહેવારોનું મહત્વ સમજાવવામાં આવ્યું તથા પર્યાવરણમૈત્રી રીતે તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે-સાથે સ્વચ્છતા, સુરક્ષા અને સાવચેતી અંગે પણ માહિતી આપવામાં આવી.કાર્યક્રમમાં ૪૯૮૪૯ બાળકો, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, વાલીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બાળમિત્ર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં સકારાત્મક ફાળો મળે છે અને આંગણવાડી કેન્દ્રો બાળકો માટે આનંદદાયક શિક્ષણનું કેન્દ્ર બની રહે છે.






