
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૧ નવેમ્બર : આગામી દિવસોમાં રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવનારા છે ત્યારે કચ્છ કલેક્ટર આનંદ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી ઓ અને ધોરડો, ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ/હોમસ્ટે ધારકો ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટરશ્રી આનંદ પટેલે કચ્છના હોમસ્ટે/રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. કલેક્ટર એ તમામ હોમસ્ટે/રિસોર્ટ ધારકોને રિસ્પોન્સીબલ ટુરિઝમના ધ્યેય સાથે પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ આવે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને સ્થાનિક કલા/લોકકલાનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોય ધોરડો, ધોળાવીરા સહિત વિસ્તારના તમામ હોમસ્ટે/રિસોર્ટ ધારકો પણ પ્રવાસીઓનો અનુભવ સુખદ રહે તે માટે જરૂરી હાઈજીન જાળવે, સ્વચ્છતા રાખે અને પારદર્શિતા અપનાવે તેમ કલેક્ટર એ જણાવ્યું હતું. કચ્છ આવતા પ્રવાસીઓ ઓનલાઈન રણ પરમીટ મેળવી શકે તે માટે ક્યુઆર કોર્ડથી પરમીટ મેળવવા અંગે હોમસ્ટે/રિસોર્ટ ધારકોને કચ્છ કલેક્ટર એ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ, ખાવડા સીનીયર નાયબ મામલતદાર અમિત પરમાર, ધોરડો સરપંચ મિયા હુસેન,ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા સહિત અધિકારી ઓ, હોમસ્ટે/રિસોર્ટના સંચાલકો/માલીકો ઉપસ્થિત રહ્યા હતા.





