
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા.૦૧ નવેમ્બર : શિક્ષકોની ઘટથી પીડાતા કચ્છ જિલ્લા માટે આખરે સારા સમાચાર આવ્યા છે. ધો. ૧ થી ૫ માં વિધાસહાયકોની ખાસ ભરતી તથા જ્ઞાન સહાયકોની ભરતી બાદ હવે ધો. ૬ થી ૮ માટે સ્થળ પસંદગી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે આથી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દ્વિતીય સત્રમાં શિક્ષણકાર્ય પુનઃ ધમધમતું થાશે તેવો આશાવાદ જાગ્યો છે.
આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીને ટાંકીને વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓના ઉમેદવારો માટે અગત્યની સુચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી (ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૫ ના ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો કે જેઓએ તા.૧૫/૧૦/૨૦૨૫ થી તા.૦૧/૧૧/૨૦૨૫ દરમિયાન જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક અંગેની પ્રક્રિયા આ મુજબ રાખવામાં આવેલ છે. જેથી દર્શાવેલ તારીખ, સમયે અને સ્થળે ઉમેદવારોએ બિનચૂક હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને તા.૦૬/૧૧/૨૦૨૫ સવારે ૯:૦૦ કલાકે તેમજ ભાષાઓ (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત) ના ઉમેદવારોને તા. ૭/૧૧/૨૦૨૫ ના
સવારે ૯:૦૦ કલાકે આર.આર. લાલન કોલેજ, ભુજ ખાતે ડોક્યુમેન્ટ ચકાસણી, શાળા/સ્થળ પસંદગી અને નિમણૂંક હુકમ મેળવવા માટે હાજર રહેવા જણાવાયું છે. ઉપર જણાવેલ તારીખ, સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોએ બિન ચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. જો તેઓ ઉપસ્થિત રહેશે નહીં તો ત્યારપછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકા૨નો હક્ક દાવો કરી શકશે નહી તેવી સૂચના આપવામાં આવી છે. સામાજિક વિજ્ઞાન અને ભાષાની ભરતી બાદ આગામી દિવસોમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગણિત – વિજ્ઞાન વિષયના ઉમેદવારો પણ હાજર થશે જેઓની હજુ જિલ્લા પસંદગી બાકી છે.



