વાત્સલ્યમ્ સમાચાર.
- રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૨ સપ્ટેમ્બર : સુશાસન એટલે સર્વસમાવેશી વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર, જે કોઈપણ રાજ્ય કે દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરે છે. સુશાસન લોક સશક્તિકરણનું ઉદાહરણ છે. સુશાસન એટલે છેવાડાના માનવી સુધી વિકાસની ધારા વહે અને રાજ્ય અને દેશનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં સુશાસનની જે પ્રણાલી વિકસિત કરી હતી, તેને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ ધપાવી રહ્યા છે. ૧૩ સપ્ટેમ્બરના સુશાસનના ચાર વર્ષ પૂર્ણ થાય છે આ ત્યારે સુશાસનિક વ્યવસ્થાના ભાગરૂપે કચ્છમાં મહિલાઓના ઉત્થાનની થયેલી કામગીરી પર એક નજર……
કચ્છ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસના કામોના આયોજન અને અમલીકરણમાં શ્રેષ્ઠતા મેળવવા,સુદ્ઢ બનાવવા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કટીબદ્ધ છે. જિલ્લા ગ્રામ એજન્સી હેઠળ ચાલતી યોજનાઓથી કચ્છની હજારો મહિલાઓ પગભર બની સમાજમાં આત્મવિશ્વાસ સાથે પોતાનું અદકેરું સ્થાન ઉભું કર્યું છે. સાથે જ સંખ્યાબંધ શૌચાલયના નિર્માણથી અનેક ગ્રામીણોનું જીવનધોરણમાં હકારાત્મક બદલાવ સાથે કચરાના વ્યવસ્થાપન થકી સ્વચ્છતાક્ષેત્રે ક્રાંતિ આવી છે.
ગ્રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામ્ય વિસ્તારની ઉદ્યમી મહિલાઓને સંગઠિત તથા તાલીમબદ્ધ કરવા સાથે આજીવિકા સાથે જોડાણ કરી તેમને સ્વાવલંબી અને સશક્ત કરવાનો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેલ રહેલો છે. જે અંતર્ગંત ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
જે અંતર્ગત, કચ્છ જિલ્લામાં કુલ ૭૫૩૫ જેટલા સખી મંડળ, ૩૭૪ ગ્રામ સંગઠન તેમજ ૩૮ ક્લસ્ટર લેવલ ફેડરેશનની રચના કરાઇ છે. ૩૭૮૫ જેટલા સખી મંડળને રૂા.૫૬૭.૮૩ લાખ રીવોલ્વીંગ ફંડ તેમજ ૧૬૩૯ જેટલા સખી મંડળને રૂા.૧૭૬૧.૩૦ લાખ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવેલું છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સાથે જોડાયેલી મહિલાઓને RSETI તેમજ દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કોશલ્ય યોજન, KVK, આત્મા વગેરે જેવી સંસ્થા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. તાલીમ બાદ મહિલાઓને આર્થિક પગભર થવા બેંક મારફતે કેશ ક્રેડીટ લોન અપાવી આત્મનિર્ભર બનવા તરફ દોરવામાં આવે છે.
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં કુલ ૩૧૦ સ્વ:સહાય જૂથોને રૂા.૪૬.૮૯ કરોડની લોન આપવામાં આવેલી છે.વધુમાં ૪૮૪ જેટલા સ્વ:સહાય જૂથોને કુલ રૂા.૧૪૬.૯ લાખનું રીવોલ્વીંગ ફંડ ચૂકવવામાં આવેલ છે અને ૩૪૯ જેટલા સ્વ:સહાય જૂથોને રૂા. ૪૨૪.૪ કરોડ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ચૂકવવામાં આવેલું છે. બેંક દ્વારા પ્રતિ સખી મંડળ દીઠ રૂા.૧.૫૦ લાખથી રૂા.૧૦.૦૦ લાખ સુધીની કેશ ક્રેડીટ લોન આપવામાં આવી રહી છે જેમાં કોઈપણ બેંક ગેરેંટી કે જામીન મૂકવાની જરૂર રહેતી નથી. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલ બહેનો સખી મંડળ સાથે જોડાઈ અને બેંક મારફતે કેશ ક્રેડીટ લોનના માધ્યમથી નાણાકીય સવલત મેળવી સારી એવી આજીવિકા મેળવી શકે તેમ છે. સ્વ:સહાય જૂથ સાથે જોડાયેલ બહેનો બેંક લોન મારફતે મેળવેલ રકમમાંથી ખુબજ સારી આર્થિક ઉપાર્જનના સાધનો વસાવી સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. સાથે સાથે સમાજમાં પોતાનામાં રહેલ કળાને ઉજાગર કરી એક આગવું નામ સ્થાપિત કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સાથે જોડાયેલ બહેનોને ન માત્ર નાણાકીય સહાય કે લોન પરંતુ વ્યવસાયિક તાલીમ મેળવી જરૂરી બજાર વ્યવસ્થા કેમ ઉભી કરાય તે માટે પણ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરેથી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે.કચ્છ જિલ્લાની મોટાભાગની બહેનો હસ્તકલા કારીગરી સાથે જોડાયેલી છે જે માટે NRLM યોજના મારફતે સરસ મેળા, રણ ઉત્સવ જેવા અનેક મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. જે મેળા દરમિયાન બહેનોને સારી એવી આવક થઇ રહી છે.
ખાદ્ય સામગ્રીના ઉત્પાદન સાથે જોડાયેલ ૨૦ સ્વ:સહાય જૂથનું ફૂડ લાઇસન્સ (FSSAI) પણ DAY- NRLM યોજનાના માધ્યમથી મેળવેલ છે, વિવિધ ઉદ્યોગ સાથે જોડાયેલ ૧૨૧ સ્વ:સહાય જૂથનું ઉદ્યમી નોંધણી કરાવેલી છે. કચ્છ જિલ્લામાં સખી મંડળો કચ્છ યુનિવર્સિટી, પોલિટેકનીક કોલેજ તેમજ રક્ષક વન ખાતે “મંગલમ કેન્ટીન” ચલાવી રોજગારી મેળવી રહ્યા છે.