
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૨૧ સપ્ટેમ્બર : ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જના સહયોગથી ગુજરાત વન વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે નિમિત્તે આજરોજ તારીખ 21 સપ્ટેમ્બર 2024 ના રોજ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના માંડવી વિન્ડ ફાર્મ બીચ ખાતે દરિયા કિનારાની સફાઈ નું અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સદર કાર્યક્રમમાં સ્ટેટ નોડેલ ઓફિસર તરીકે ડો. કે. રમેશ, મુખ્ય વન સંરક્ષક, જૂનાગઢ વન વર્તુળ, શ્રી રાજેન્દ્ર બોરા, ડેપ્યુટી સેક્રેટરી MoEFCC, શ્રી યુવરાજસિંહ ઝાલા, DCF કચ્છ પશ્ચિમ, ડૉ. પી. કે. મહેતા, પ્રિન્સિપાલ માંડવી ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા. આ કાર્યક્રમમાં માંડવીના નાગરિકો, વન વિભાગના સ્ટાફ, શાળા કોલેજના બાળકો, NCC કેડેટ્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ નો સ્ટાફ, હોમગાર્ડ જવાનો, સ્વૈચ્છિક સંસ્થા ના પ્રતિનિધિઓ વિગેરે મળીને આશરે 350 જેટલા લોકોએ આશરે 7000 ચોરસ મીટર વિસ્તારમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને માંડવી વિન્ડ ફાર્મ બીચની સફાઈ નું કામ હાથ ધર્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશરે 540 કિલો જેટલો કચરો ભેગો કરીને તેનો નિકાલ કરવામાં આવેલો હતો.
સદર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને દરિયા કિનારાની સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે તે માટે સિગ્નેચર કેમ્પેન, સેલ્ફી પોઇન્ટ, માહિતી દર્શક બેનર વગેરે થકી માહિતગાર કરવામાં આવેલ હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સ્વચ્છતા બાબતના શપથ લઈને દરીયા તથા દરિયા કિનારાના વિસ્તારોને સ્વચ્છ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો






