Rajkot: રાજકોટમાં ૫ ડીસેમ્બરે રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરાશે

તા.૩/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કાર્યક્રમમાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ : કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાના વિજેતા કલાકારો ભાગ લેશે
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. ૫થી તા. ૭ ડીસેમ્બર સુધી હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા – ૨૦૨૪નું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન મેયરશ્રી નયનાબેન પેઢડીયાના હસ્તે કરાશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીઓ કુંવરજીભાઈ બાવળીયા અને ભાનુબેન બાબરીયા, સાંસદશ્રીઓ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે તા. ૫ના રોજ લોકનૃત્ય, સમૂહગીત, હળવું કંઠ્ય સંગીત, એકપાત્રીય અભિનય, એકાંકી, લગ્નગીત, લોકગીત, ભજન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), શાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી), એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન મેળો, ટેક્ષ ટાઈલ્સ, હેન્ડીક્રાફ્ટ અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાશે. તા. ૬ના રોજ કથ્થક, ભરતનાટયમ, કુચિપુડી, ઓડીસી, મણીપુરી, લોકવાદ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), સીતાર, ગીટાર, મૃદગમ અને વીણા સ્પર્ધાઓ યોજાશે. તેમજ તા. ૭ના રોજ વાંસળી, વકતૃત્વ, શીઘ્ર વકતૃત્વ, ડિકલેમેશન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, નિબંધ, પાદપુર્તિ, સ્ટોરી રાઈટીંગ, કાવ્ય લેખન-વાંચન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, પોસ્ટર મેકિંગ સ્પર્ધાઓ યોજાશે. આ કુલ ૪૦ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કલાકારો અને કલાવૃંદો ભાગ લેશે.


