GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દી ઘડતર વિષયક” સેમિનાર યોજાયો

તા.૧૩/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

કરણસિંહજી હાઈસ્કૂલના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓથી થયા અવગત

Rajkot: વિદ્યાર્થીકાળમાં શિક્ષણનું મહત્વ અમૂલ્ય છે. એવામાં શિક્ષણ સાથે સરકારનો સહયોગ મળે તો જાણે સોનામાં સુગંધ ભળે. ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ સુવર્ણ બનાવવાના હેતુસર રાજકોટ શહેરમાં આવેલી કરણસિંહજી હાઇસ્કુલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે “કારકિર્દી ઘડતર વિષયક” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકાબેન પરમારે વિદ્યાર્થીઓએ વિનમ્રતા, શ્રેષ્ઠ શ્રોતા અને ઊંડાણપૂર્વક અભ્યાસના ગુણો કેળવવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓના લાભો અને સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગુજરાત સરકારના વિવિધ પ્રકાશનો મહત્વના સાબિત થાય છે. જે વિદ્યાર્થીઓને શિક્ષણ, આરોગ્ય, રમતગમત, વિજ્ઞાન જેવા દરેક ક્ષેત્રની કલ્યાણકારી યોજનાઓની માહિતી તો આપે છે. સાથોસાથ ગુજરાતનો ઈતિહાસ, ભૂગોળ, લોકોત્સવો, મેળાઓ, નૃત્યો જેવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે છે.

તેમણે જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ ગુજરાત સરકાર અને જાહેર જનતાને જોડાતા સેતુ સમાન છે. માહિતી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા રોજગાર સમાચાર, ગુજરાત પાક્ષિક અને કારકિર્દી વિશેષાંક નિયમિત રીતે પ્રકાશિત કરાય છે. ત્યારે વિદ્યાર્થીઓએ આગળના અભ્યાસ અને વ્યવસાય માટે સરકારના પ્રકાશનનો મહત્તમ લાભ લેવા કહ્યું હતું.

આ ઉપરાંત, રોજગાર કચેરીના અધિકારીશ્રી રાજેશભાઈએ વિદ્યાર્થીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચેરીની વેબસાઈટ, ભરતી મેળાઓ, વિદેશ અભ્યાસ ઉપરાંત આર્મી, નેવી, અગ્નિવીરની ભરતીઓ જેવી રોજગાર સંબધી જાણકારીથી અવગત કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગાર મેળવવા માટે સરકારના એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દીમાં ઉપયોગી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સાહિત્ય અને રોજગાર વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોને સરકારની સહાયથી શ્રેષ્ઠ કારકિર્દી ઘડીને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમજ શિક્ષકોને કલ્યાણકારી યોજનાઓની પુસ્તિકાઓ ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રોજગાર સમાચારનું વાર્ષિક લવાજમ રૂ. ૩૦ અને ગુજરાત પાક્ષિકનું વાર્ષિક લવાજમ રૂ. ૫૦ છે. ત્યારે નજીવા દરે લવાજમ ભરવા ઇચ્છુકો પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ, જયુબિલી બાગ ખાતે સંપર્ક સાધી શકે છે.

આ કાર્યક્રમમાં રોજગાર કચેરીના ઓવરસીસ કાઉન્સિલરશ્રી અમિતભાઈ ચૌહાણ, શાળાના આચાર્યશ્રી ટી. ટી. ચોવટીયા, શાળા સલાહકારશ્રી ભાવનાબેન ભોજાણી, માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદી, શિક્ષકોશ્રી એમ. આર. ચાવડા, શ્રી વી. કે. હુંબલ, શ્રી એમ. એમ. મુછડીયા, શ્રી જલ્પાબેન તન્ના, શ્રી એ.ડી.વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!