KUTCHMANDAVI

કચ્છમાં ભારે વરસાદ બાદ ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાની સર્વે કામગીરીનો ધમધમાટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ગ્રામસેવકશ્રીઓ અને તલાટીશ્રીઓ દ્વારા ગામે-ગામે જઈને ખેડૂતોની હાજરીમાં પાક નુકસાની સર્વે કામગીરી પૂરજોશમાં.

કચ્છ જિલ્લામાં પાક નુકસાની સર્વે કામગીરી ચોકસાઈ અને ઝડપથી પૂર્ણ કરવા ૧૦૦ ટીમો કાર્યરત.અન્ય જિલ્લાઓમાંથી ૮૦ ટીમ બોલાવીને પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાશે.

ભુજ,તા-૦૨ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદની અસર ખેડૂતોના પાકમાં નુકસાનીરૂપે જોવા મળી છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને યુદ્ધના ધોરણે પાક સર્વેની કામગીરી કરવા માટે નિદર્શો આપ્યા છે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  કચ્છ જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આપેલી સૂચના અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા અને જિલ્લા બાગાયત અધિકારીશ્રી મનદિપ પરસાણિયા દ્વારા પાક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી કચેરી અને બાગાયત કચેરી દ્વારા ગ્રામસેવકશ્રી અને તલાટીશ્રીની આગેવાનીમાં ૧૦૦ ટીમની રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લો વિશાળ ખેતીવાડી વિસ્તાર ધરાવતો હોય જિલ્લામાં સર્વેની કામગીરી ઝડપથી અને ચોકસાઈથી થઈ શકે તે માટે અન્ય જિલ્લામાંથી પણ ૮૦ ટીમની માગણી કરવામાં આવી છે. હાલમાં કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, લખપત, મુન્દ્રા, ભુજ, અંજાર, નખત્રાણા અને ગાંધીધામ તાલુકામાં વિગતવાર પાક સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.  કચ્છ જિલ્લામાં ખેતીવાડી કચેરીના પ્રાથમિક સર્વે અને અંદાજ મુજબ ૭૩૦ ગામના કૃષિ વિસ્તારમાં નુકસાની જોવા મળી છે. ખરીફ પાક અને બાગાયત પાકના અંદાજિત ૧.૮૬ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!