KUTCHMANDAVI

ભારે વરસાદ બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગે રસીકરણ તેમજ સારવારની કામગીરી શરૂ કરી.

૧૯૬૨ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરવાથી પશુ સારવારની 'ઓન કોલ' સુવિધા ઉપલબ્ધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

૧૦ હજારથી વધારે પશુઓનું રસીકરણ અને ૭ હજારથી વધુ પશુઓની સારવાર કરાઈ.

કચ્છની ૨૩ તેમજ બનાસકાંઠાના અને પાટણથી ૦૮ ટીમ બોલાવીને યુદ્ધના ધોરણે પશુઓના રસીકરણ અને સારવારની કામગીરી શરૂ.

ભુજ, તા -૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ તેમજ પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડવાની સંભાવના રહેલી છે. પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપીને પશુપાલન શાખા કચ્છની ૨૩ ટીમો ફિલ્ડમાં ઊતારવામાં આવી છે. હાલની પરિસ્થિતિમાં મુજબ તેમજ પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયા અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની સૂચના મુજબ અન્ય જિલ્લામાંથી પણ ટીમો બોલાવવામાં આવી છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ૦૮ ટીમો કચ્છ પહોંચીને દિવસ રાત પશુઓના રસીકરણની અને સારવાર કામગીરી કરી રહી છે. આમ જિલ્લામાં કુલ ૩૧ ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

અતિભારે વરસાદના પગલે પશુપાલન વિભાગના નિયામકશ્રી ડૉ. ફાલ્ગુનીબેન એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- કચ્છના નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. આર. ડી. પટેલની આગેવાનીમાં પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીશ્રીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ સહિતની ૩૧ ટીમો દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તેમજ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તાલુકાનાં ગામોમાં પશુપાલકોની મુલાકાત લઈ સારવાર, રસીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં અતિભારે વરસાદનાં કારણે પશુમરણની ઘટના બની હોય તો સબંધિત તાલુકામાં જાણ કરવા માટે પશુપાલકો તેમજ નાગરિકોને જણાવવામાં આવે છે. કચ્છમાં અત્યારસુધીમાં ૧૦,૪૫૧ પશુઓનું રસીકરણ, ૭,૨૯૭ પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લામાં ૧૬૭ પશુ અને ૩૦૯૮ મરઘાઓનું મરણ થયું છે.

 

આ ઉપરાંત GHS-EMRIના ૩૩ વાહન પશુઓની સારવાર માટે ૧૯૬૨ હેલ્પ લાઈન ઉપર સંપર્ક કરવાથી ઓન કોલ સારવારની સુવિધા માટે ઉપલબ્ધ છે. રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ તેમજ તેમના તાબા હેઠળના પશુ દવાખાનાઓ, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવી રહી છે તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી જિલ્લા પંચાયત, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!