GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખંઢેરી સ્ટેડિયમમાં આતંકી હુમલો, ચેતક કમાન્ડોએ ગણતરીની મિનિટોમાં આતંકીઓને કર્યા ઠાર

તા.૬/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

કાળી સ્પોર્ટ્સ કારમાં ધસી આવેલા હથિયારધારીઓએ ૩ મજૂરોને બનાવ્યા બંધક

ચેતક કમાન્ડો અને ગ્રામ્ય પોલીસનું અત્યંત ચપળતાભર્યું રેસ્ક્યૂ ઓપરેશન સંપન્ન

હુમલો નહીં પણ સુરક્ષા સજ્જતા ચકાસવા માટે યોજાયેલી ‘મોકડ્રીલ’

Rajkot: રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સવારના સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક કાળા રંગની સ્પોર્ટ્સ કાર પૂરઝડપે સ્ટેડિયમમાં ઘૂસી આવી હતી. કારમાં સવાર ચાર હથિયારધારી શખ્સોએ સ્ટેડિયમમાં કામ કરી રહેલા ત્રણ મજૂરોને બંદૂકની અણીએ બંધક બનાવી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આતંકીઓએ ૧૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ અને કચ્છ બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત જ ‘ચેતક કમાન્ડો’ની ટુકડી અને રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમોએ સ્ટેડિયમને ચારેય તરફથી ઘેરી લીધું હતું. હવામાં થયેલા ધડાકાના અવાજો અને એમ્બ્યુલન્સની સાયરનો વચ્ચે કમાન્ડોએ અત્યંત ચપળતાથી સ્ટેડિયમમાં પ્રવેશ કરી ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન વહીવટી તંત્રના રૂરલ પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પીજીવીસીએલ, ફાયર ફાઈટર અને મેડિકલ ઈમરજન્સીની ટીમો પણ ઘટનાસ્થળે ખડેપગે તૈનાત થઈ ગઈ હતી. કલાકો સુધી ચાલેલી આ ખેંચતાણ બાદ સુરક્ષા દળોએ વ્યૂહરચના ગોઠવી આતંકીઓને ઠાર માર્યા હતા અને બંધકોને સુરક્ષિત રીતે છોડાવ્યા હતા.

ઓપરેશનના અંતે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, આ કોઈ વાસ્તવિક આતંકી હુમલો નહોતો પરંતુ સુરક્ષા સજ્જતા ચકાસવા માટે આયોજિત એક ‘મોકડ્રીલ’ હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીના સમયે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવાનો હતો. આ સફળ ઓપરેશનમાં ચેતક કમાન્ડોના ડીવાયએસપી શ્રી ડી.વી. ગોહિલ, રાજકોટ ગ્રામ્ય ડીવાયએસપી શ્રી વિક્રમ વ્યાસ તથા શ્રી કે.જી.ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

આ સમગ્ર કવાયતમાં વહીવટી તંત્ર તરફથી ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તી અને પડધરી મામલતદાર શ્રી કેતન સખીયા તેમજ પોલીસ વિભાગના અધિકારીઓમાં ચેતક કમાન્ડો ઓબ્ઝર્વર શ્રી ધવલ પટેલ, પડધરી પી.આઈ શ્રી એસ.એન. પરમાર, પી.એસ.આઈ. શ્રી પી.એમ. ચાવડા, શ્રી એચ.સી. ગોહિલ, QRT શ્રી એ.બી. ચૌધરી, શ્રી જે. જે. વાળા અને SOG શ્રી પી.વી. મિશ્રાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તદુપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમોએ પરસ્પર સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંતે આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Back to top button
error: Content is protected !!