KUTCHMANDAVI

સેતુ ઓફિસ સરપટ નાકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી.

સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળી રહ્યો છે : રશ્મિબેન સોલંકી, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

આગામી સમયમાં સિટી સિવિક સેન્ટરના માધ્યમથી નાગરિકોને વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવશે : રાજકોટ ઝોનના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી મહેશ જાની.

ભુજ, તા-૨૦  સપ્ટેમ્બર : ભુજ શહેરમાં વોર્ડ નંબર ૦૧ થી ૦૬ના નાગરિકો માટે સરપટ નાકા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકીએ કરાવ્યો હતો. રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી મહેશ જાની સહિત મહાનુભાવો કાર્યક્રમના ઉદ્ધાટન સમયે ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે આયોજિત કાર્યક્રમને ખુલ્લો મૂકતા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારે સેવા સેતુ જેવા અનેક કાર્યક્રમો થકી એવું આયોજન કર્યું છે નાગરિકોને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળી રહે. શ્રી રશ્મિબેને ભુજ નગરપાલિકા સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓની કામગીરીને બિરદાવી નાગરિકોને અરજીનો ત્વરિત નિકાલ થાય એ રીતે વ્યવસ્થાપન કરવા માટે પ્રેરણા પુરી પાડી હતી. નાગરિકોને સરકારશ્રીની સેવાઓનો લાભ લઈને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે શ્રીમતિ રશ્મિબેને હાંકલ કરી હતી.રાજકોટ ઝોનના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી મહેશ જાનીએ કચ્છ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોની ભાગીદારી નિહાળીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોની અરજીઓનો ત્વરિત નિકાલ થાય તે માટે પ્રતિબદ્ધ છે. ભુજના નાગરિકો માટે સિટી સિવિક સેન્ટર બનાવીને નાગરિકોને ઝડપથી સરકારી સુવિધાઓનો લાભ મળે તે દિશામાં કામગીરી પૂર્ણતાના આરે છે તેમ પ્રાદેશિક કમિશનરશ્રીએ જણાવ્યું હતું. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી જીગર પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરીને તમામ મહાનુભાવો અને નાગરિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને જરૂરી દાખલાઓ મેળવવાના વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. નાગરિકો માટે આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ, તબીબી તપાસ, રેશનકાર્ડ અપડેશન, આઈસીડીએસ દ્વારા માર્ગદર્શન કેમ્પ, વિવિધ બેંક દ્વારા કેવાયસી કેમ્પ અને નાણાંકીય સહાય કેમ્પ, નગરપાલિકાની વિવિધ સહાયની અરજીના નિકાલ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. સવારથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને સેવા સેતુ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નગરસેવકશ્રી મનુભા જાડેજા, ઈન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી રોહિત ભીલ, નાયબ મામલતદારશ્રીઓ, સરકારના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!