
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા – કચ્છ.
મુંદરાના નદી પટ વિસ્તારમાં જૂના કપડાં વેચાણકારોની દાદાગીરી – ટ્રાફિક અવરોધ અને સુરક્ષાનો ભય વધ્યો, ભૂતકાળની ઘટનાને લઈ તાત્કાલિક કાર્યવાહી જરૂરી
રતાડીયા,તા.25: મુંદરાના નદી પટ વિસ્તારમાં દર રવિવારે લાગતી જૂના કપડાંની બજારમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર અનિયમિતતા ફેલાઈ રહી છે. નદી વિસ્તારમાં એક જ પરિવારના જૂના કપડાં વેચાણકારો 10 થી 15 જેટલી હાથલારીઓ સીધા મુખ્ય માર્ગ પર ગેરકાયદે મૂકતા ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ છે. વાહનવ્યવહાર અવરોધાઈ જાય તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળે છે.
ખાસ કરીને રવિવારે નજીકની કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને રજા હોવાથી મોટી સંખ્યામાં મજૂરો આ બજારમાં આવતા હોય છે. આ વધતી ભીડ વચ્ચે રસ્તા પર ગેરકાયદે હાથલારી મૂકાઈ જવાથી અવ્યવસ્થા ઘણી વધી જાય છે અને અકસ્માતની શક્યતાઓ પણ વધી રહી છે.
આ મુદ્દાને વધુ ગંભીર બનાવે છે એ હકીકત કે ભૂતકાળમાં આ જ સ્થળે ઝઘડાને પગલે જીવલેણ હુમલાનું બનાવ પણ બન્યો હતો. આવી પરિસ્થિતિ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવાં જરૂરી બન્યા છે.
ગૌરવપ્રદ છે કે દોઢ વર્ષ પહેલા મુંદરા બારોઈ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને વ્યવસ્થા જળવાય તે માટે નિર્ધારિત જગ્યા ફાળવવામાં આવી હતી. છતાં હાલમાં તે જગ્યાનો માત્ર 30 ટકા ઉપયોગ થતો જોવા મળે છે અને કેટલાક વેપારીઓ ફરીથી રોડ પર જ વેપાર શરૂ કરી દેતા અન્ય નિયમિત વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિક નાગરિકો અને વેપારીઓ તંત્રને માંગ કરી રહ્યા છે કે—
• ફાળવેલી જગ્યામાં તમામ વેચાણકારોને નિયમસર ગોઠવવામાં આવે.
• નદી પટ વિસ્તારમાં ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી
• તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવાય.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



