KUTCHMUNDRA

વિરોધ નહીં, વિવેક જરૂરી: વડાપ્રધાનશ્રીની ‘અપીલ’ પાછળના રાષ્ટ્રહિતના ગણિતને સમજવાની જરૂર

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

વિરોધ નહીં, વિવેક જરૂરી: વડાપ્રધાનશ્રીની ‘અપીલ’ પાછળના રાષ્ટ્રહિતના ગણિતને સમજવાની જરૂર

 

મુન્દ્રા/કચ્છ, તા. 12:

વર્તમાન વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવાસીઓને કરવામાં આવેલી ‘અપીલ’ અત્યારે ચર્ચાનો વિષય બની છે. કમનસીબે કેટલાક તત્વો અને સોશિયલ મીડિયાના માધ્યમો આ અપીલના મૂળ ઉદ્દેશ્યને સમજ્યા વગર માત્ર વિરોધ ખાતર વિરોધ કરી રહ્યા છે જે રાષ્ટ્રના આર્થિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ઐતિહાસિક વારસો: જ્યારે નેતાની એક હાકલ પર દેશ એક થયો હતો:

 

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે ત્યારે મહાપુરુષોએ જનતા પાસે ત્યાગની અપેક્ષા રાખી છે.

 

 * મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અપનાવવા માટે એક વસ્ત્ર પહેરી સંપૂર્ણ દેશને કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા પ્રેર્યા.

 

 * સરદાર વલ્લભભાઈ પટેલે દેશની જરૂરિયાત સમયે સોનાનું દાન આપવા હાકલ કરી હતી ત્યારે રાજાઓ – પ્રજાએ મોટા પ્રમાણમાં સોનું જમા પણ કરાવ્યું હતું.

 

 * લાલ બહાદુર શાસ્ત્રીજીએ અન્ન સંકટ સમયે ‘એક ટાઈમ ઉપવાસ’ કરવાની અપીલ કરી હતી જેને દેશભરના લોકોએ સ્વીકારી હતી.

એટલે કે લોકો દ્વારા ટૂંકા ગાળાની અસુવિધા સ્વીકારી રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપવાનું આ પરંપરાગત ભારતીય મૂલ્ય છે. અને વડાપ્રધાનની વર્તમાન અપીલ પણ આ જ ‘રાષ્ટ્ર પ્રથમ’ની પરંપરાનો એક ભાગ છે.

વિરોધ લોકશાહીનો ભાગ છે પરંતુ વિરોધ કરતા પહેલાં કારણ, પરિસ્થિતિ અને દેશને થનારા લાભ-નુકસાનનો વિચાર જરૂરી છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન નેતાઓ દ્વારા કરવામાં આવેલી આવી અપીલોએ દેશને સંકટમાંથી બહાર કાઢ્યું છે.

વડાપ્રધાનશ્રીની અપીલ અને તેનું તાર્કિક વિશ્લેષણ:

 

૧. સોનાની ખરીદીમાં સંયમ:ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. સોનું ખરીદવા માટે આપણે કિંમતી વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) ખર્ચવું પડે છે. જો એક વર્ષ ખરીદીમાં સંયમ રાખવામાં આવે તો દેશની આર્થિક સ્થિતિ અને રૂપિયાનું મૂલ્ય મજબૂત બનશે. વડાપ્રધાનની અપીલ પછી માત્ર 24 કલાકમાં સોનાના ભાવમાં અસર દેખાઈ એટલે “ભારતનું વલણ સોનાના વૈશ્વિક ભાવમાં કેટલી અસર કરી શકશે?” એવી દલીલ અલ્પજ્ઞાન ધરાવતી ગણાય. 

 

૨. પેટ્રોલ-ડીઝલની બચત (કારપૂલિંગ):ઈંધણની આયાત દેશની તિજોરી પર મોટો બોજો છે. સાર્વજનિક પરિવહન (બસ, મેટ્રો, ટ્રેન) અથવા કારપૂલિંગનો ઉપયોગ કરવાથી માત્ર પૈસા જ નહીં પણ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. અને સરકારના જાહેર પરિવહનને આવક થતા સગવડમાં વધારો થશે. દિલ્હી જેવી ‘ઓડ-ઈવન’ની સ્થિતિ આખા દેશમાં ન આવે તે માટે અત્યારથી જાગૃત થવું અનિવાર્ય છે.

 

૩. તેલનો મર્યાદિત વપરાશ (દેશ અને દેહ માટે): વડાપ્રધાનશ્રીએ સાચું જ કહ્યું છે કે ઓછું તેલ વાપરવાથી ‘દેશ’નું નાણું બચશે અને વ્યક્તિનો ‘દેહ’ (આરોગ્ય) પણ તંદુરસ્ત રહેશે. હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને અન્ય બીમારીઓ સામે રક્ષણ મળશે જેના લીધે પરિવારનો મેડિકલ ખર્ચ ઘટશે તથા દેશને આરોગ્યક્ષેત્રમાં ભાર ઓછો પડશે.

 

૪. કુદરતી ખેતી તરફ પ્રયાણ:રાસાયણિક ખાતરોની આયાત ઘટાડવાથી સબસિડીનો બોજો ઘટશે. કુદરતી ખાતર સસ્તુ, પૌષ્ટિક અને જમીનને સ્વસ્થ બનાવે છે જેનાથી જનતાને ઝેરમુક્ત પૌષ્ટિક આહાર ઉપલબ્ધ થશે. આ માત્ર આર્થિક નહીં પણ સ્વાસ્થ્યલક્ષી ક્રાંતિ છે. વિશ્વના મોટા દેશોમાં કુદરતી ખેતી તરફ વડવાની લહેર ચાલી રહી છે ત્યારે ભારત પાછળ કેમ રહે?

 

૫. સ્વદેશી પર્યટનને પ્રોત્સાહન:વિદેશ પ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચવાને બદલે જો આપણે ભારતના જ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈએ તો સ્થાનિક લોકોને રોજગારી મળશે અને દેશનું નાણું દેશમાં જ રહેશે. વિદેશ પ્રવાસની વડાપ્રધાને મનાઈ નથી કરી માત્ર ઘટાડવાની વિનંતી કરી છે. સંકટ સમયમાં ઘણા દેશ સ્થળ પરિભ્રમણ પર પ્રતિબંધ મૂકે છે પરંતુ ભારતે એવું નથી કર્યું, માત્ર વિવેકપૂર્વક વિચારવાની અપીલ કરી છે.

 

૬. ગેસના ભાવ અને તાર્કિક અભિગમ: કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો એ આંતરરાષ્ટ્રીય બજારની મજબૂરી છે. સરકારે સામાન્ય મધ્યમ વર્ગ અને ગૃહિણીઓ પર બોજો ન પડે તે માટે નફો કરતા ધંધાદારી લોકો ઉપર સંપૂર્ણ બોજો લાદીને ઘરેલું ગેસના ભાવ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કર્યો છે જે સકારાત્મક પગલું છે. આમ છતાં વિરુદ્ધ પક્ષના કહેવા મુજબ બંનેમાં સરખો વધારો કરવા પણ સરકાર તૈયાર છે પરંતુ એમાં સૌથી મોટું નુકસાન સામાન્ય મધ્યમ વર્ગના પરિવારને થશે તે માટે સર્વસંમતિ જરૂરી છે.

 

લોકશાહી દેશમાં વિરોધ કરવો એ લોકોનો મૂળભૂત અધિકાર છે પણ જનતાને નમ્ર વિનંતી છે કે કોઈના ગેરમાર્ગે દોરવાયેલા વીડિયો કે પોસ્ટ જોઈને ઉતાવળે વિરોધ ન કરે. રાષ્ટ્રનાહિતમાં કરવામાં આવેલી આ અપીલનો જો માત્ર એક મહિનો પણ નિષ્ઠાપૂર્વક અમલ કરવામાં આવે તો તેના સકારાત્મક પરિણામો દેશના અર્થતંત્રમાં ચોક્કસ જોવા મળશે. લોકમતથી ચૂંટાયેલા દેશના સર્વોચ્ચ પદ પર બીરાજમાન વડાપ્રધાન પરના વિશ્વાસને રાષ્ટ્રભક્તિમાં પરિવર્તિત કરવાનો આ જ સાચો સમય છે.

વિરોધ પક્ષ દ્વારા જાણ્યા વગર, અધુરો જ્ઞાન, આધા તથ્યો અને “સસ્તી લોકપ્રિયતા” માટે કરવામાં આવતા વિડિયો, પોસ્ટર, કન્ટેન્ટ દેશને નુકસાન પહોંચાડી શકે છે.

રાષ્ટ્ર પ્રથમ – રાજકારણ પછી – સમજો સાણા કચ્છી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!