
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોતની દોરી વેચતા વસાદરાના શનિ વાળંદના ઘરમાંથી બાયડ પોલીસે 353 ચાઈનીઝ દોરીની ફીરકીઓ જપ્ત કરી
અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના આદેશ મુજબ બાયડ પોલીસે વસાદરા ગામના એક યુવકના ઘરેથી 1.76 લાખ રૂપિયાથી વધુની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે.ચાઈનીઝ દોરી પતંગનો પેચ કાપવામાં અત્યંત મજબૂત હોવાને કારણે પતંગરસિયાઓમાં તેની ભારે માંગ છે, પરંતુ આ દોરી માનવો, પશુઓ તથા પંખીઓ માટે ઘાતક સાબિત થઈ રહી છે. છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ઠેર ઠેર ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે. રૂ.100 થી 200ની કિંમતની ફીરકી રૂ.600 થી 800માં વેચાતી હોવાના કારણે અનેક યુવાનો આ ગેરકાયદેસર ધંધામાં જોડાઈ રહ્યા છે.
બાયડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગામીટ અને તેમની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વસાદરા ગામનો શનિ ઈશ્વર વાળંદ ઉત્તરાયણ માટે ચાઈનીઝ દોરીનો સંગ્રહ કરીને વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે તેના ઘરમાં તપાસ કરી, પરંતુ ત્યાં કંઈ હાથ ન લાગ્યું હતું. જોકે બાતમી વિશ્વસનીય હોવાને કારણે પોલીસે ઘરની આજુબાજુ અને પાછળ આવેલા પશુઓના તબેલામાં તપાસ કરતા પ્લાસ્ટિકની નીચે સંતાડેલી ચાઈનીઝ દોરીની કુલ 353 ફીરકીઓ મળી આવી હતી.પોલીસે અંદાજે રૂ.1.76 લાખની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી શનિ વાળંદની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, બાયડ નગર તથા આસપાસના વિસ્તારોમાં કેટલાક પતંગના સ્ટોલ અને દુકાનોમાં છુપાઈને ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોવાની ચર્ચા પણ તેજ બની છે.પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર લેભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.





