KUTCHMANDAVI

શિસ્ત સાથે સંસ્કાર આપી શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા ભજવીને માધાપર હાઇસ્કુલના ડૉ.દિનેશકુમાર ડાકીએ ગામડાના ૧૩૪ છાત્રોને સ્પોર્ટસમાં રાષ્ટ્રીયકક્ષાએ પહોંચાડ્યા

અત્યારસુધી ગ્રામ્યકક્ષાના ૩૦ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ રમતમાં વિજેતા બની કચ્છ તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટસ સ્કોલરશીપમાં કુલ રૂા.૪૨ લાખથી વધુ માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે.

મોંઘેરા શિક્ષકનું સન્માન કરીને તેમને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવશે

ભુજ,તા-૦૪ સપ્ટેમ્બર : શિક્ષક આપણા માટે ઇશ્વરના વિશેષ આશીર્વાદ છે. શિક્ષકો એક મજબૂત રાષ્ટ્રના નિમાર્ણમાં પાયાના પથ્થર સમાન છે. શિક્ષક આવનારી પેઢીના ઘડતરમાં મા-બાપ સમકક્ષ ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે જ એવું કહેવાયું છે કે, તલવારની તુલનામાં એક કલમનું મહત્વ શિક્ષક શિખવાડે છે, તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ છે. સ્વસ્થ દેશના નિમાર્ણ માટે સ્વસ્થ નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે અભ્યાસ સાથે બાળકોમાં યોગ-વ્યાયામ તથા સ્વસ્થ જીવન શૈલીના નિમાર્ણમાં વ્યાયામ શિક્ષકની ભૂમિકા બેવડાઇ જાય છે. આવી જ ભુમિકા ભજવતા ભુજ તાલુકાના માધાપર ગામની એમ.એસ.વી હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક તથા વ્યાયામ શિક્ષક તરીકે ૨૦ વર્ષથી ફરજ બજાવતા ડૉ. દિનેશકુમાર લક્ષ્મણભાઇ ડાકીને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરીને તેમની રાજયસરકારે તેમની કામગીરીની સરાહના કરી છે.તા.૫ સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે મોંઘેરા શિક્ષકનું સન્માન કરીને તેમને રાજયકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે. છેલ્લા ૨૦ વર્ષથી માધાપર એમ.એસ.વી હાઇસ્કુલમાં ઉમદા ફરજ નિભાવીને વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહી પરંતુ સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વ્યાયામ અને રમત-ગમતને પણ પુરતુ મહત્વ આપતા ડૉ. દિનેશકુમાર ડાકીએ વર્ષ ૨૦૧૨માં પી.એચડી.ની ઉપાધી સાથે વર્ષ ૨૦૧૯માં એસોશિયેટ એન.સી.સી. ઓફીસરની ઉપાધી પ્રાપ્ત કરેલી છે.ડૉ.. દિનેશકુમાર ડાકી જણાવે છે કે, શાળાની અંદર શિસ્ત એ પાયોનો ગુણ ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં શિસ્તની સાથે સારા સંસ્કારોનું સિંચન થાય અને સારા નાગરિકો બને તેવી ઝંખના હંમેશા સેવતો રહું છું. શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે આવ્યા બાદ દરરોજ સવારે ૬ થી ૭:૩૦ અને સાંજે ૫ થી ૭ શાળા સમય સિવાય વિદ્યાર્થીઓને અલગ-અલગ રમતનું કોચીંગ આપી અને જિલ્લા અને રાજ્ય તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા બનવા માટે લાયક બનાવવાનો પ્રયત્ન કરું છું. જે પ્રયત્નથી આજદિન સુધીમાં ૧૩૪ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ જુદી જુદી રમતોમાં જુદા જુદા રાજયોમાં ભાગ લઈ ૩૦ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કરેલા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટસ સ્કોલરશીપમાં કુલ મળી રૂા.૪૨,૦૨,૪૦૦ (રૂ.બેતાળીસ લાખ બે હજાર ચારસો ) જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી છે.સરકારશ્રી દ્વારા આયોજિત થતી વિવિધ શૈક્ષણિક, આરોગ્યને લગતી તેમજ રમત-ગમતની તાલીમો મેળવી છે તથા આર.પી. તરીકે અનેક વખત ફરજ બજાવી છે. શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું જેમાં અનેક વિદ્યાર્થીઓએ બીડી, ગુટખા જેવા વ્યસનમાંથી મુક્તિ મેળવી સુટેવો વિકસાવી છે.આ ઉપરાંત અમારી શાળામાં સ્કાઉટ માસ્ટર તરીકે ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી જવાબદારી સંભાળી હતી. ૨૦૧૧માં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર તરીકે ગુજરાતની ટીમ લઈ હિમાચલ પ્રદેશ મુકામે પ્રતિનિધિત્વ કર્યું. ૨૦૧૭થી એન.સી.સી. નેવલ યુનિટના એન.સી.સી. ઓફિસર(ANO) તરીકે શાળામાં જવાબદારી સંભાળી રહ્યો છું. જેમાં વિદ્યાર્થીઓને બે વર્ષ સઘન તાલીમ આપી શિસ્ત અને એકતાના ગુણો સાથે રાષ્ટ્રભાવનાનું ઘડતર કરવામાં આવે છે. શાળામાં વાર્ષિક રમતોત્સવ, એન.સી.સી. પરેડ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, ધાર્મિક પર્વની ઉજવણી(જન્માષ્ટમી મટકીફોડ, નવરાત્રી), વૃક્ષારોપણ, ચિત્રકલા, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય તેવા પ્રયત્નો કરી રહ્યો છું.વિદ્યાર્થીઓની વ્યક્તિગત મૂંઝવણ કે ભવિષ્યના પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી માર્ગદર્શન અને કાઉન્સેલીંગ કરી પોતાના જીવનને સફળ બનાવવા મદદરૂપ થઈએ છીએ ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક કાર્યની સાથે સાથે રમત-ગમતને પણ પ્રાધાન્ય આપતા કચ્છ જિલ્લામાં એક માત્ર મળવા પાત્ર ડી.એલ.એસ.એસ. (ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ) તરીકે માધાપર એમ.એસ.વી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી અને ૧૦૦ જેટલા ગુજરાતના ખેલાડીઓ હોકી, આર્ચરી, વોલીબોલ, ફૂટબોલ સહિતની મુખ્ય રમતોનું કોચીંગ અહીં મેળવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!