
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૨ સપ્ટેમ્બર : પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ, નાગરિકો તથા ખેડૂતો માટે આર્શીવાદરૂપ બની રહી છે. ઉત્પાદિત માલના વેચાણ માટે ખેડૂતોને બજાર મળી રહે તે માટે રાજ્ય સરકાર ખેડૂતોને પ્લેટફોર્મ પુરુ પાડી રહી છે. હાલ કચ્છમાં ત્રણ શહેરમાં ચાર સ્થળે પ્રાકૃતિક બજારનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેડૂતો સીધો જ પોતાનો માલ ગ્રાહકોને વેચે છે. આમ, વચેટીયાપ્રથા ન રહેતા ખેડૂતોને સારા ભાવ સાથે ગ્રાહકોને પણ તાજા ઉત્પાદન પ્રાપ્ત થઇ રહ્યા છે.ભુજમાં ભાનુશાલી નગરમાં મંગળવાર તથા મુંદરા શહેરમાં શાંતિવન સોસાયટી ખાતે રવિવાર તથા ગુરૂવાર તેમજ અંજારમાં તોરલ સરોવર ખાતે રવિવાર તથા ગુરૂવારે પ્રાકૃતિક બજાર ભરાય છે. જેમાં શહેરીજનો તથા આસપાસના ગ્રામજનો ખરીદી કરવા આવતા હોય છે. જેનો સીધો ફાયદો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળી રહ્યો છે. પ્રાકૃતિક ઉત્પાદનો વેચવા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વરઝડીના મહિલા ખેડૂત જુલીબેન માવાણી જણાવે છે કે, ભુજ ખાતે ભાનુશાલી નગરમાં સરકારના સહયોગથી ભરાતી પ્રાકૃતિક માર્કેટમાં નિયમિત રીતે અમારા ઉત્પાદનો વેચાણ કરવા આવીએ છીએ. અહીં શાકભાજી, કઠોળ, ફળ, મસાલા તેમજ મૂલ્ય વર્ધિત પ્રોડકટનું વેચાણ કરતા સારો એવો ફાયદો થઇ રહ્યો છે. સંતોષકારક ભાવ મળી રહ્યા છે અને સીધું જ લોકો સુધી પહોંચ બની છે. જયારે લોકોને પણ સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહેતા તેઓ પણ ખુશ છે. એક થી દોઢ કલાકમાં અમારો તમામ માલ અહીં વેચાઇ જતો હોય છે. હું સરકારશ્રીનો ખાસ આભાર વ્યકત કરું છું કે, તેઓએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે માર્કેટ પણ પુરૂ પાડ્યું છે.ભુજ ભાનુશાલી નગર ખાતે નિયમિત ખરીદી કરવા આવતા ગ્રાહક કુસુમબા જાડેજા જણાવે છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ દર મંગળવારે અહીંઅહીં ખરીદી કરવા અચૂક આવે છે. બજારમાં સામાન્ય માર્કેટમાં હાનિકારક દવા અને ખાતરનો ઉપયોગ કરેલા શાકભાજી હોય છે જેનાથી શરીરને નુકશાન થાય છે. જયારે અહીં કોઇપણ જતુંનાશક દવા કે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક રીતે ઉગાડેલા શાકભાજી, ઘી, કઠોળ, મસાલા, ગૌમૂત્ર , ગૌબરથી બનેલી અન્ય જરૂરીયાતની વસ્તુઓનું ખેડૂતો વેચાણ કરે છે. જેનો સીધો ફાયદો અમને નાગરિકોને મળી રહ્યો છે. અમારે કયાંય દુકાને કે વેચટીયા પાસે માલ ખરીદવા જવું પડતું નથી કે ઉંચા ભાવ પણ ચુકવવા પડતા નથી. ખેડૂતો પાસેથી વ્યાજબી ભાવે તથા તાજા ઉત્પાદન મળી રહેતા સમય અને નાણાના બચાવ સાથે સૌથી વધુ ફાયદો સ્વાસ્થ્યને થઇ રહ્યો છે. સ્વાસ્થ્યથી વધુ કંઇ નથી. આ જ ચિંતા ખુદ રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે હું રાજ્ય સરકારનો ધન્યવાદ વ્યકત કરું છું કે, તેઓ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે આવા માર્કેટ પણ શરૂ કર્યા છે.




