
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૦૪ જુલાઈ : વર્ષ ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા સરહદી અબડાસા તાલુકાના અરજણપરના ગ્રેજયુએટ થયેલા ખેડૂત અમિત ચંદુલાલ વાસાણી રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે તેઓ ન માત્ર મનુષ્ય પરંતુ પશુઓ માટે પણ એટલા જ ચિંતિત છે. બાજરાની ખેતી સાથે તેઓ ઘઉં તથા ઘાસચારામાં જુવાર, રંજકો પણ પ્રાકૃતિક કૃષિથી ઉગાડી રહ્યા છે.અમિતભાઇ જણાવે છે કે,સોશિયલ મીડિયા તેમજ યુ-ટયુબના માધ્યમથી તથા મારા કાકા લધારામભાઇની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત,બીજામૃત વગેરેનો ઉપયોગ કરુ છું. રાસાયણિક ખેતીના અનુભવ વિશે તેઓ જણાવે છે કે, તેમાં ખર્ચ વધુ હતો, જમીન સાવ બંજર થઈ ગઇ હતી તથા સામે કંઈ વળતર જોઈએ એટલું મળતું ના હતું. રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતરનો ખર્ચો વધી જાય છે. તેમજ નિંદણ પણ વધારે ઊગી નીકળે છે, મજુરી ખર્ચ વધુ થાય છે, જમીનનું બંધારણ બગડે છે. પાકની ગુણવત્તા સારી નથી હોતી તથા પાણીની ગુણવત્તા બગડે છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે તથા રાસાયણિક ખેતીમાં પાકને બધુ પિયતની જરૂર પડે છે. પ્રાકૃતિક ખેતીમાં હું રંજકો, બાજરી, ઘઉં, જુવાર, ઘાસચારા જેવા પાકો લઉં છું.પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત હોવાને કારણે સારો એવો નફો થાય છે. જમીન પણ ફળદ્રુપ બની છે. ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે પાણીની ગુણવત્તા સુધરી છે.






