રીપોર્ટ : બિમલ માંકડ l પ્રતિક જોશી
ભુજ : તા.૩૦ મેના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ તાલુકાના ભારાપર ગામના ચાર રસ્તા પાસે ટ્રાફિક જામ થયો હોવાથી એક યુવક ટ્રાફિક ખુલી કરાવવા જહેમત કરી રહ્યો હતો. તેવામાં એક સફેદ કલરની કારમાં કથિત રીતે નશાયુકત હાલતમાં સુરજ્પરના પૂર્વ સરપંચ બાલકૃષ્ણ ઉર્ફે વિનુ ધનજી મેપાણીએ ટ્રાફિકમાં રહેલી એક કારને ટક્કર માર્યા બાદ સેવાભાવી યુવાનને ટક્કર મારતા તેને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ થઇ હતી. ઘટના સ્થળે હાજર લોકોએ ગાડીમાંથી ચાલકને બહાર કાઢવા દરવાજો ખોલવા પ્રયત્નો કર્યા, જો કે દરવાજો ન ખુલતા આખરે ગાડીનો કાંચ તોડી ડ્રાઈવરને બહાર કાઢયો હતો. આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્થાનિકો વિનુને ગાડીમાંથી ઉતારી બહાર લાવતા દેખાય છે જેમાં વિનુ નશામાં ધુત હોવાનું પણ આસપાસના લોકોમાં ગણગણાટ સંભળાઈ રહ્યો છે.
ઈજાગ્રસ્ત યુવાન હાલ ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તો બીજીબાજુ માનકુવા પોલીસનો એક જવાબદાર કર્મચારી ઘટના સમયે ત્યાં હાજર હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે આશ્ચર્યજનક રીતે આ લખાય છે ત્યાં સુધી માનકુવા પોલીસ દ્વારા વિનુ મેપાણી વિરુદ્ધ અકસ્માત કે પ્રોહીબીશન એક્ટ તળે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી, જેના લીધે માનકુવા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કદાચ દારૂ, સત્તા અને પૈસાના નશામાં મહાલતા આવા વિનુ દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં કોઈ તથ્ય કાંડ બનશે પછી જ પોલીસ એક્શન મોડમાં આવશે તેવી ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.
વિનુ ઉપર ગામની જ એક મહિલાની છેડતી બાબતે તાજેતરમાં થઇ હતી ફરિયાદ, તદુપરાંત પ્રોહીબીશન, અપહરણ અને મારામારીના અનેક ગુનાઓ નોધાયેલા છે
હજુ ગત મહીને જ સુરજ્પરની એક મહિલાને મિલકત બતાવવાના બહાને લઈ જઈ છેડતી કરવા મુદ્દે વિનુ ઉપર ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ અમુક વર્ધીદારીએ અંગત રસ લઈ ‘સમાધાન’ કરાવતા માત્ર માફીનામું લખાવી વિનુને છોડી દેવાયો હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે. તો બીજી બાજુ છેલ્લા પાંચ વર્ષમાં વિનુ ઉપર પ્રોહીબીશન, મારામારી અને અપહરણ સહિતના ગંભીર ગુનાઓ માટે ફરિયાદો નોંધાઈ હોવા છતાં રાજકીય અને આર્થીક વગના કારણે તેને આ પ્રકરણમાં પણ છાવરવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિકોનું માનવું છે.
ઊંટ કત્લના પ્રકરણમાં પણ માનકુવા પોલીસની કામગીરી રહી હતી શંકાસ્પદ
એપ્રીલ માસમાં જીવદયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે માનકુવા પોલીસે સરલી ગામની સીમમાં દરોડો પાડી મિજબાની માટે મરાયેલા બે ઊંટના અવશેષો, કત્લ માટે વપરાયેલા હથિયારો, વાહનો અને અન્ય સામગ્રી કબજે કરી આઠેક શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં સ્થાનિકે ગૌમાંસ હોવાનું છતાં પણ પોલીસે આંખ આડા કાન કર્યા હતા તો ઘટના સ્થળે હાજર એક મારુતિ વાન પણ કબ્જે લેવામાં આવેલ ન હોવાનો આક્ષેપ જીવદયા પ્રેમીઓએ કર્યો હતો. તપાસમાં ઊંટની કત્લ તે સમયે ચાલી રહેલા હાજીપીરના મેળામાં સેવા કેમ્પમાં મિજબાની માટે કરાઈ હોવાની કોઈને ગળે ન ઉતરે તેવી કબુલાતને પણ માનકુવા પોલીસ દ્વારા સ્વીકારી લેવાયું હતું. જયારે ખુબ જ વિશ્વસનીય સૂત્રો પાસે મળેલ માહિતી મુજબ ઘટનાના દિવસે જ સરલી ગામમાં રહેતા એક સામાજિક આગેવાનના ઘરે પ્રસંગ માટે ઊંટ અને ગૌવંશનું કત્લ કરવામાં આવ્યું હતું અને એફઆઈઆરમાં દર્શાવેલ નામો વાળા આરોપીઓની કોલ ડીટેઈલ અને લોકેશન મેળવવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવે તેવી કેફિયત પણ જાણકારોએ દર્શાવી હતી. આ રીતે કાયદાને કઠપૂતળી બનાવી બેઠેલા આવા લોકો અને કર્મીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ વડા દ્વારા આકરા પગલા લેવાય તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે.