
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૦૯ ઓગસ્ટ : કચ્છ જિલ્લામાં ૧૩ ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત “તિરંગા યાત્રા”ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું ભુજ શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લાના પદાધિકારીશ્રીઓ જ્યુબિલી ગ્રાઉન્ડથી સવારે ૯.૦૦ કલાકે આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે. જ્યુબિલી ગ્રાઉન્ડથી નીકળીને આ તિરંગા યાત્રા કચ્છમિત્ર સર્કલ થઈ ઑલ્ફ્રેડ સર્કલ થઈને ટાઉનહોલ ખાતે પહોંચશે. ત્રણ હજારથી વધારે લોકો આ તિરંગા યાત્રામાં સામેલ થાય એવું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.આ તિરંગા યાત્રામાં વિવિધ બ્લોક્સમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ જોડાશે. ખાસ કરીને જિલ્લાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, રમતવીરો, આરોગ્યકર્મીઓ, મહિલા અને બાળ વિકાસ અને આઈસીડીએસ શાખાના બહેનો, ભાતીગળ વેશભૂષા મહિલાઓ, શ્રી સ્વામીનારાયણ સ્કૂલ અને આર.ડી. વરસાણી સ્કૂલના વિદ્યાર્થીઓ સંચાલિત બેન્ડ, પોલીસજવાનો, હોમગાર્ડ જવાનો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લેશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યાએ તમામ વિભાગના અધિકારીશ્રીઓને સંકલનથી કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તિરંગા યાત્રા આપણા સ્વાભિમાનની યાત્રા છે અને વર્તમાન પેઢી આ યાત્રાના માધ્યમથી દેશના વીર જવાનોનો આઝાદી માટેના સંઘર્ષને યાદ કરે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું. આ આયોજન બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનિલ જાદવ સહિત જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





