
તારીખ: ૦૬-૦૪-૨૦૨૬
રિપોર્ટ: યશ માંકડ, પ્રતીક જોશી
ભુજ/અમદાવાદ/રાજકોટ/વડોદરા: ગુજરાતની વિવિધ કચેરીઓને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે ભુજ સહિત અમદાવાદ, રાજકોટ અને વડોદરાની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની વિગત: એકસાથે 4 શહેરો નિશાન પર
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે ગુજરાતની ચાર મુખ્ય RTO કચેરીઓના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજ્ઞાત ઈમેલ આવ્યો હતો, જેમાં ભુજ સહિત અમદાવાદ, રાજકોટ અને વડોદરાની RTO કચેરી પરિસરમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભુજ RTO કચેરીમાં આ સમાચાર વાયુવેગે ફેલાતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે તમામ અરજદારો અને કર્મચારીઓને કચેરી બહાર દોડી ગય હતા પશ્ચાત આખી કચેરી ખાલી કરાવાઈ હતી.
પોલસ એક્શન: ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સર્ચ:
ધમકી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભુજ RTO ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરીના ખૂણેખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી.ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય વહીવટી કામગીરી તાત્કાલિક અટકાવી દેવામાં આવી.અમદાવાદ (રાણીપ), રાજકોટ સાથે વડોદરા ખાતે પણ પોલીસની ટીમોએ સર્ચ ઓપરેશન આદર્યું હતું.
તંત્રની લાચારી? વારંવારની ધમકી છતાં ભેજાબાજ પકડથી બહાર ?
નોંધનીય છે કે આ પહેલીવાર નથી, જ્યારે કચ્છ કે ગુજરાતની મહત્વની કચેરીઓ જેવીકે કોર્ટ,પોસ્ટઓફીસ ને અગાઉના સમયમાં અવારનવાર આવી ધમકી મળી છે. અગાઉ પણ ભુજ અને રાજકોટ કોર્ટને અનેકવાર ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.તાજેતરમાં જ ગુજરાત પોસ્ટ ઓફિસને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી.જોકે, દર વખતે તપાસમાં કંઈ શંકાસ્પદ મળતું નથી, પરંતુ પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગ હજુ સુધી આ પ્રકારના ‘હોક્સ કોલ’ કે ઈમેલ મોકલનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. તંત્રની આ નિષ્ફળતાને કારણે હવે પ્રજામાં અને સરકારી કર્મચારીઓમાં સુરક્ષાને લઈને ગંભીર ચિંતા જોવા મળી રહી છે.સાયબર એક્સપર્ટ્સની મદદ થકી હાલમાં પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને ઈમેલનું IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શું આ કોઈ વિદેશી ષડયંત્ર છે કે કોઈ સ્થાનિક તત્વોની ટીખળ, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવો અને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે.



