વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૧૨ ઓગસ્ટ : ”હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે ગાંધીમાર્કેટથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ લીલીઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે દરેક કચ્છવાસીઓેને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવીને એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો. ગાંધીમાર્કેટથી પ્રારંભ થયેલી રેલી મુખ્યબજારથી ફરી ઝંડાચોક ખાતે પૂર્ણ્ થઇ હતી. તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, બીએસએફ તથા હોમર્ગાડના જવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ રાજયભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે આપણે પણ આ અભિયાનમાં રાષ્ટ્રપ્રેમ, ભાઇચારા તથા એકતાની ભાવના સાથે જોડાઇએ. તેમણે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો વિદ્યાર્થીઓ વગેરેને અભિનંદન પાઠવતા રાષ્ટ્રધ્વજને દરેક ઘર,વાણિજ્ય સંકુલો તથા દરેક ઇમારતો પર લેહરાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, મહામુલી આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે, ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામુલો છે. હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઇચારાની ભાવનામાં વધારો થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તિરંગો આપણી શાન અને જાન છે ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ છે. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ, બીએસએફ તથા હોમર્ગાડના જવાનો, નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તા ગુંજી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગાંધીધામ નગરપતિશ્રી તેજશ શેઠ, ઉપપ્રમુખશ્રી દિવ્યાબેન નાથાણી, કારોબારી ચેરમેનશ્રી એ.કે.સિંગ, એસ.પીશ્રી સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ, અંજાર પ્રાંત અધિકારીશ્રી સુનીલ સોલંકી, આગેવાનશ્રી ધવલ આચાર્ય, મહેશ પુંજ, મહેશ તિર્થાણી, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, સર્વશ્રી પદાધિકારીઓશ્રીઓ ,આગેવાનો અને દેશપ્રેમી નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.